Western Times News

Gujarati News

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયેલ તોડફોડના વિરોધમાં પંચમહાલ કલેકટરને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય લોકતંત્રમાં પ્રજાના વિવિધ પ્રશ્ને મુદ્દે,વિવિધ ઘટનાઓ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સૌને યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે,

દેશની ૧૮ મી લોકસભા બેઠકની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રજાની મુશ્કેલીઓ, ગંભીર સમસ્યા,વિવિધ પ્રશ્નો, દેશનો હાલનો રાજકીય પ્રવાહ વગેરે બાબતોને લઈને રજૂઆતો કરી હતી, જેને દેશમાં વ્યાપક જન સમર્થન મળ્યું હતું,આ બાબત ભાજપ અને તેઓના સમર્થકોને ગમી ન હતી અને તેઓ હતાશામાં ગરકાવ થઈ ગયા છે,

તેમજ દ્વેષભાવપૂર્વક દેશ લોકશાહીના મૂલ્યોને લાંછનરૂપ વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે, તાજેતરમાં જ અમદાવાદ ખાતેના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર હિંચકારો હુમલો કરી તોડફોડ,પથ્થરમારો,ગુંડાગીરી કરીને ભયનું વાતાવરણ પેદા કર્યું હતું,જે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે, ત્યારે રાજ્યમાં સત્તાધારી ભાજપા સરકાર કે સંગઠનના ઇશારે થતી આવી પ્રવૃત્તિઓનો સખત શબ્દોમાં વખોડીએ છે,

અમદાવાદ તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં બનેલી આવી ઘટનાઓ અને તે માટે જવાબદાર વ્યક્તિઓ સામે ત્વરિત સખત પગલાં ભરવા સાથે બનાવની ન્યાયીક તપાસની માંગ સાથે રાજ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પૂરતી તકેદારી અને ચોકસાઈ રાખવા માંગ કરીએ છીએ, તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો જિલ્લા સેવાસદન કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.