ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા 11 વાહનોને ઝડપી પાડી 3.50 કરોડ મુદ્દામાલ કબ્જે
પંચમહાલ ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી
ગોધરા, પંચમહાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જીલ્લામાં ચેકીંગ દરમ્યાન ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા ૧૧ વાહનોને ઝડપી પાડી અંદાજીત કુલ રૂ.૩.૫૦ કરોડ મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી જેને લઈને ખનીજ માફીયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો…
પંચમહાલ જિલ્લામાં ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમ્યાન ખનીજ અધિકારીઓ દ્વારા અલગ અલગ સ્થળ પરથી ૧૧ જેટલા કેસ કરવામાં આવ્યા છે જેમાં શહેરા નજીકથી ૦૮ ઓવરલોડ ગ્રેનાઈટ વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે
આ ઉપરાંત ઉદલપુર પાસેથી ઓવરલોડ કપચીના ૦૨ વાહનો અને ચલાલી ગોમાનદી પાસેથી એક ગેરકાયદે રેતીનું હેરાફેરી કરતું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હોવાનું ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કુલ રૂ.૩.૫૦ કરોડ નો મુદ્દામાલ કબ્જે લઈ દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
અચાનક ખનીજ વિભાગે હાથ ધરેલા ચેકીંગના પગલે ખનીજ માફીયાઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો હતો પરંતુ જીલ્લામાં ખનીજ માફીયાઓ કોઈપણ રીતે ખનીજની ચોરી કરવામાં સફળ રહેતા હોય છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા હોય છે
ખાસ કરીને કાલોલ તાલુકામાં આવેલી ગોમા નદીમાંથી ખનીજ માફીયાઓ વધુ પ્રમાણમાં રેતીની ચોરી કરતા હોવાની બુમો ઉઠવા પામી છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા જીલ્લામાં આ મામલે વધુ કડક રીતે ચેકીંગ હાથ ધરે તે જરૂરી બન્યું છે. તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા.