પંચમહાલમાં સ્વ સહાય જૂથોને NRLM યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધી)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બેંક લોન વિતરણ કેશ ક્રેડિટ કેમ્પનું મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બહેનોને સમાજમાં મોભાનું સ્થાન મેળવી તે આર્ત્મનિભર બને તે ધ્યાનમાં રાખી સરકાર દ્વારા મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. જેના થકી આજે બહેનો પગભર બની છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ બહેનોની હરહંમેશા ચિંતા કરી છે. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ થકી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના જેવી વિવિધ યોજનાઓ થકી રાજ્ય સમૃધ્ધ બન્યું છે તથા લોકોની સુખાકારીમાં વધારો થયો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીએ જણાવ્યુ હતું કે પંચમહાલ જિલ્લાની બહેનોએ સરકારની યોજનાઓનો લાભ મેળવી, સ્વસહાય જુથો બનાવી ર્સ્વનિભર બની આર્ત્મનિભર ગુજરાતના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે આજે ગ્રામ પંચાયતથી લઇને કેન્દ્ર સરકારની તમામ વિભાગોની યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી લાભ મળ્યો છે. તેમણે બહેનોને સરકારની ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સમાજને આગળ લાવવા સહિયારા પ્રયાસોની જરૂર છે તેવું જણાવ્યું હતું.
આ કેશ ક્રેડિટ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના ૧૬૩ સ્વસહાય જૂથોની બહેનોને રુપીયા ૧૩૯.૭૭ લાખના ચેકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક તબિયારે કર્યુ હતું જ્યારે આભાર દર્શન ડી.એલ.એમએ કર્યુ હતું.
આ અવસરે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, સામાજીક ન્યાય સમિતીના ચેરમેન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્વસહાય જુથોની બહેનો ઉપસ્થિત રહી હતી.