Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5.10 લાખ લોકોએ નજીવા દરે મેળવ્યું જીવન વીમા કવચ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ જીવન વીમા કવચ રૂપે પંચમહાલ જિલ્લાના ઓછી આવક ધરાવતા જૂથના લોકો મેળવી રહ્યા છે સામાજિક સુરક્ષા

·     અત્યાર સુધીમાં રૂ. ૩૦.૩૪ કરોડ જેટલી રકમના કુલ ૧૫૧૭ ક્લેઇમ(દાવા)ની ચૂકવણી કરાઇ

·     માત્ર રૂ. ૪૩૬ ના વાર્ષિક પ્રીમિયમમાં આકસ્મિક મૃત્યુ સામે રૂ. ૨ લાખનું વીમા કવચ

પંચમહાલ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૮ થી ૫૦ વર્ષની વયજૂથમાં આવતા તથા સમાજમાં વંચિત અને ઓછી આવક ધરાવતા જૂથને જીવન વીમો આપવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૧૫ થી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)  અમલી બનાવાઇ છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો શહેર તથા જિલ્લામાં મળી અત્યાર સુધીમાં કુલ ૫,૧૦,૧૮૬ લોકોએ યોજના હેઠળ જીવન વીમા કવચનો લાભ મેળવ્યો છે. વધુમાં અત્યારસુધીમાં યોજના અંતર્ગત અંદાજીત રૂ. ૩૦.૩૪ કરોડ જેટલી રકમના કુલ ૧,૫૧૭ ક્લેઇમ (દાવાઓ) ની ચૂકવણી કરવામાં આવી છે.

માત્ર રૂ.૪૩૬ ના વાર્ષિક પ્રિમિયમ સામે રૂ. ૨ લાખના કવરેજ દ્વારા એક વર્ષનું જીવન વીમા કવચ આપતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ૧૮ થી ૫૦ ની વયનો કોઈપણ ભારતીય નાગરિક નોંધણી કરાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે પોલિસી ધારક પાસે બેંકમાં બચત ખાતુ હોવું જરૂરી છે.

વીમાધારક એલ.આઇ.સી. અને અન્ય ખાનગી વીમા કંપની સાથે કરાર ધરાવતી કોઈપણ ભાગીદાર ભારતીય બેંકમાં ખાતું ખોલાવીને આ યોજનાનો લાભ લઇ શકે છે. વધુમાં જીવન વીમા કવરેજ નોંધણીના ફક્ત ૪૫ દિવસમાં જ લાગુ થઈ જાય છે અને જીવલેણ અકસ્માતની સ્થિતિમાં સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના દ્વારા પોલિસી ધારકોને ખુબજ સરળ અને સુવિધાજનક જીવન વીમો આપવામાં આવે છે. પસંદ કરેલ વિકલ્પના આધારેયોજના હેઠળના દરેક વાર્ષિક કવરેજના સમયગાળાની ૩૧મી મે ના રોજ અથવા તે પહેલા ખાતાધારકના બેંક ખાતામાંથી પ્રીમિયમ ઓટોડેબિટ સુવિધા હેઠળ કાપવામાં આવે છે.

માત્ર રૂ.૪૩૬ ના વાર્ષિક પ્રીમિયમમાં એક વર્ષ માટે વીમાધારકને જીવન વીમા કવચ આપવામાં આવે છે અને વીમાધારક વ્યક્તિના મૃત્યુના કિસ્સામાંકારણને ધ્યાનમાં લીધા વિના રૂ. ૨ લાખની જીવન વીમાની રકમ વીમાધારકના નોમીનીને આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તેમજ ઓછી આવક ધરાવતા જૂથના વ્યક્તિના મૃત્યુ પછી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૫ થી અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાના લાભો લોકો સુધી સફળતાપૂર્વક પહોંચી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.