Western Times News

Gujarati News

જન્મજાત વાંકા પગની ખામી ધરાવતી પંચમહાલની ઉર્વશી હવે દોડી શકશે

સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત-તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મહત્વપૂર્ણ ભૂમિકા

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોને નિરોગી-તંદુરસ્ત-સ્વસ્થ બનાવવાનો સેવાયજ્ઞ એ જનસેવાનું અદકેરૂં અભિયાન

ગોધરા સ્વસ્થ બાળ-સ્વસ્થ ગુજરાત અને તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે બાળ આરોગ્યની ચિંતા કરી નાનપણથી જ બાળકોને અસાધ્ય રોગોથી બચાવવા માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવે છે.

જો કોઇ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સશક્ત હશે તો જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે શારીરિક સ્વસ્થતા એટલી જ જરૂરી છે. બાળકો એ ઇશ્વરનું સ્વરૂપ છે તેને નિરોગી-તંદુરસ્ત-સ્વસ્થ બનાવવાનો આ સેવાયજ્ઞ જનસેવાનું અદકેરૂં અભિયાન છે. તેથી બચપણ થી જ તે સ્વસ્થ રહે,મસ્ત રહે,વિકાસ રૂંધાય નહિં એવી નેમ સાથે આ રાજ્યવ્યાપી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરાયો છે.

જ્યારે કોઇ પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ઉત્સવ અને આનંદનું વાતાવરણ નિર્માણ થાય છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે પ્રવીણભાઈ પટેલિયાના ઘરે એક સુંદર બાળકીનો જન્મ થયો.

જન્મના ૨૪ કલાકમાં જ પંચમહાલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોક્ટરોની ટીમ દ્વારા આ બાળકીનું સ્ક્રીનિંગ કરતા ખબર પડી કે બાળકીનો જમણો પગ અંદરની તરફ વાંકો છે જેની સમયસર સારવાર કરાવવી જરૂરી હોય ઘનિષ્ઠ પ્રયાસો આદરી વાલીને બીમારી વિશે સમજણ અને સલાહ આપી હતી.

પરિવારે આ બાળકીનું નામ ઉર્વશી આપ્યું છે.જયારે આ બાળકી ૧ માસની થઇ અને તેનું વજન ૩ કિલોગ્રામથી વધુ થતા આ બાળકીની અત્યારે જ આ ઉંમરે જરૂરી સારવાર કરાવવા RBSKની ટીમ દ્વારા પરીવારને માર્ગદર્શન આપ્યું હતું. હવે આ બાળકની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવીયે તો અંદાજીત ખર્ચ રૂા.૧ લાખ જેટલો થતો હોય છે.

આ પરિવાર આ ખર્ચનો બોજો સહન કરી શકે તેમ ના હોઈ સરકારશ્રીની સિવિલ હોસ્પીટલમાં નિ:શુલ્ક સારવાર કરાવવાનું નક્કી કર્યું. તા.૦૨.૦૧.૨૦૨૩ના રોજ ગોધરા સ્થિત સિવિલ હોસ્પીટલ ખાતે આ બાળકીના વાંકા પગને સીધો કરવા નિષ્ણાંત તબીબો દ્વારા પોનસેટી સારવાર (પાટા મારવા) કુલ ૧૦ વખત કરવામાં આવી.

ત્યારબાદ આ બાળકીનું ટેનોટોમીનું ઓપરેશન તા. ૧૫/૦૭/૨૦૨૩ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને તેનો પગ સ્વસ્થ કરવામાં આવ્યો. હાલ આ બાળકીને કોઈ તકલીફ નથી. RBSKની ટીમ દ્વારા નિયમિતપણે આ બાળકીની તપાસ કરવામાં આવી રહી છે.

ઉર્વશીના પિતા પ્રવીણભાઈ પટેલિયા પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેઓ ખેતી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.તેમની દિકરી ઉર્વશીને જન્મજાત જમણો પગ અંદરની તરફ વાંકો હોવાની ખામી હતી. આ સમયે ચિંતાતુર બનેલ પરિવારને બાળકની સારવારની ચિંતા સતત સતાવતી હતી.

આવા કપરાં સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને તેની જાણ થતાં તેઓએ અમારી મુલાકાત લીધી અને તેઓ બાળકી સાથે અમને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે લઇ ગયા જયાં અમારી બાળકી ઉર્વશીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેથી મારી બાળકીની જન્મજાત જમણો પગ અંદરની તરફ વાંકો હોવાની ખામી દુર થઇ છે.

હવે પછી થોડોક સમય જતાં મારી બાળકીને પગમાં પહેરવા સરકારશ્રી તરફથી એક ખાસ પ્રકારના બુટ પણ આપવામાં આવશે અને જેનાથી ધીમે ધીમે પગ સીધા કરવામાં મદદ મળશે.જ્યારે સારવાર પૂરી થઈ જશે ત્યારે ઉર્વશી અન્ય સામાન્ય બાળકોની જેમ ચાલી અને દોડી શકશે.

હવે મારી બાળકી સારું જીવન જીવી શકશે તે માટે સરકારશ્રીના આ કાર્યક્રમને બિરદાવું છું તેમજ સરકારશ્રી દ્વારા મારી બાળકીને મળેલ લાભનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આજે મારુ બાળક અન્ય બીજા બાળકોની જેમ જીવન જીવી રહ્યું છે જે રાજ્ય સરકારને આભારી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લીધે કોઇ પણ જાતના ખર્ચ વિના વિનામૂલ્યે તબીબી સેવાઓ મળી રહે છે. પંચમહાલના RBSK ટીમના ડૉ.જીગ્નેશ બારીઆ અને નોડલ ડૉ.હેમાંગ જોષી સહિત તેમની ટીમના કર્મચારીઓના સાથ અને સહકારથી આ બાળકીની ખામી નિવારવામાં સરાહનીય કામગીરી કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.