પાંડવકુંડમાં નાહવા પડેલા વાપી કોલેજના છ વિદ્યાર્થી- રિક્ષાચાલક ડૂબ્યાઃ ચારનાં મોત

બૂમાબૂમ સાંભળી દોડી આવેલા સ્થાનિકોએ બે વિદ્યાર્થીઓને બચાવી લીધા
(એજન્સી) અમદાવાદ, દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામમાં આવેલા પાંડવકુંડમાં નાહવા પડેલા ચાર વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજયાં હોવાનો કરુણ બનાવ બન્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાપીની કેબીએસ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓનું એક ગ્રૂપ બે રિક્ષામાં બેસી કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામમાં ફરવા માટે આવ્યા હતા, જે પૈકી ચાર વિદ્યાર્થીઓ અને રિક્ષાનો ડ્રાઈવર અહીંના પાંડવકુંડમાં નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પોતાના મિત્રોને ડૂબતા જોઈ બહાર ઉભા રહેલા અન્ય બે વિદ્યાર્થીઓ પણ તેમને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે કુંડમાં ડૂબી રહેલા તમામ લોકોને એક પછી એક બહાર કાઢયા હતા,
જેમાં બે વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો હતો. ઉંડા પાણીમાં ગરક થઈ ગયેલા અન્ય પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે કપરાડાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજયાં છે, જયારે રિક્ષાચાલકની હાલત હાલ સ્થિર હોવાનું માલુમ પડ્યું છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ વિદ્યાર્થીઓ મૂળ દમણ રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને તેમની ઓળખ ધનંજય ભોંગરે, આલોક શાહ, અનિકેતસિંહ અને લક્ષ્મણપુરી ગોસ્વામી તરીકે થઈ છે. પોલીસે હાલ તો તમામ મૃતકોનાં પરિવારજનોને જાણ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચાર વિદ્યાર્થીઓનાં કરુણ મૃત્યુથી સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે. સાથે જ કોલેજના વિદ્યાર્થીમાં પણ શોકની લાગણી છવાઈ છે. કેબીએસ કોલેજમાં મ્યુઝિકલ મો‹નગ અને એન્યુઅલ ડેનો કાર્યક્રમ પણ મોકુફ રખાયો છે. બનાવના પગલે મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનાં તાત્કાલિક પોસ્ટમોર્ટમ થાય અને તેમના પરિવારોને મૃતદેહ મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર ઘટના બનતાં હોસ્પિટલ ખાતે પરિવાર તેમજ સગાં-સંબંધીઓ એકઠા થઈ ગયા હતા.