Western Times News

Gujarati News

વયોવૃદ્ધ પંડ્યા દંપતિને ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા ચૂંટણી તંત્રનો આભાર માન્યો

ઘરે-ઘરે મત કુટિરનું સ્થાપન થાય તેવો લોકશાહીનો અનોખો અવસર :

ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા અમારે તો ઘર બેઠા ગંગા આવી- વયોવૃદ્ધ પંડ્યા દંપતિ

૫૦-અમરાઇવાડી વિધાનસભા વિસ્તારના ૫૫ વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે જઈને પોસ્ટલ બેલેટ મતદાન કરાયું

શારિરીક રીતે અશક્ત હોવાના કારણે મતદાન મથક સુધી પહોંચવા અન્ય પર નિર્ભર રહેવું પડતું. આજે ઘર બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ બનતા અમારે તો ઘર બેઠા ગંગા આવી છે.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના ૮૦ થી વધું વયના શારિરીક રીતે અશક્ત પંડયા દંપતિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હર્ષોલ્લાસની લાગણી સાથે ચૂંટણીપંચનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અન્વયે બી.એલ.ઓ. અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટલ બેલેટ સાથે પહોંચે છે

નક્કી કરાયેલા મતદારોના ઘરે -ઘરે. ઘરે જ ટેમ્પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે અને મતદાર પોસ્ટલ બેલેટ થી ગુપ્ત મતદાન કરે છે. ઘર બેઠા મતદાનમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વીડિયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે .

અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓ માટે શરુ થયેલ ધરે બેઠા મતદાનની પહેલના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચ દ્રારા અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના રહેવાસી ૮૫ની વયના બિપિન ચંદ્ર પંડ્યા અને ૮૨ની વયના અરુણાબેન પંડ્યાના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું..

અરુણાબેનને કમર અને પગના ભાગમાં ગંભીર તકલીફ હોવાના કારણે તેઓ વોકરના સહારે ચાલે છે.જ્યારે બીપીનચંદ્રના ઘૂંટણમાં તકલીફ હોવાથી વધારે અંતર સુધી ચાલવામાં તેઓ પણ તકલીફ અનુભવે છે .આ દંપતીની શારિરીક અક્ષમતા જોતા ચૂંટણી તંત્ર દ્વારા તેમને ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી‌. સમગ્ર મતદાન પ્રક્રિયાને ગુપ્ત અને પારદર્શક રીતે અનુસરવામાં હતી‌.

અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઝોનલ ઓફિસર અને બી.એલ.ઓની ટીમ દ્વારા ૫૫ વયોવૃદ્ધ અશક્ત લોકોનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે.

ચૂંટણી પંચની આ નવીન પહેલ થી મતદારો અને તેમના પરિવારજનો ખુબ ખુશીની લાગણી અનુભવે છે. મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્ય હોઈ તેઓ કોઈ મુશ્કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરુ યોગદાન પૂરું પાડી રહ્યા છે.  -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.