અંબાજીમાં મોબાઈલ ઝુંટવતી ટોળકી સક્રીય થતા લોકોમાં દહેશત

ડીસા, હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. અંબાજીના અલગ અલગ વિસ્તારોમાંથી અસામાજીક તત્વો રોડ પર ચાલતા લોકોના મોબાઈલને ઝૂંટવીને ભાગી જતા હોય છે તો સાથે સાથે અનેક વિસ્તારોમાં ઘરોમાં ચોરીની ઘટનાઓ પણ બની રહી છે
જેમાં ક્યાંકને ક્યાંક અંબાજી પોલીસની બેદરકારી અને નિષ્ફળતા સામે આવી રહી છે. અંબાજી હાઈવે માર્ગો પર પસાર થતાં લોકોના મોબાઈલ ખેંચીને ચોર ભાગી જતા હોય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલમાં પણઅંબાજી વિસ્તારમાંથી બે બાઈક ચોરો દ્વારા મોબાઈલ ચોરી કરી ભાગ્યા હતા જેની ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તા.૧પ.૩.ર૦ર૪ના રોજ અંબાજીના સ્થાનિક બજારમાંથી કામ પતાવી યુવક ઘરે જતો હતો ત્યારે ભવાની પેટ્રોલપંપ આગળથી જતી વખતે શર્ટના ખિસ્સામાંથી મોબાઈલને પાછળથી બ્લ્યુ કલરનું બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમો પૈકી બાઈકની પાછળ બેઠેલ ઈસમે નજર ચુકવીને મોબાઈલ ખિસ્સામાંથી કાઢી ભાગી ગયા હતા.
જેમાં જીઓ કંપનીનું સીમકાર્ડ હતું. આ મોબાઈલની કિંમત રૂ.૧પ,૦૦૦ની હતી જે તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા તેઓના વિરૂદ્ધ અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.