પંકજ ત્રિપાઠી અને અદિતી રાવે શરૂ કરી ‘પારિવારિક મનુરંજન’

આ નવી જોડીએ લખનૌમાં શૂટિંગ શરૂ કર્યું
ભાનુશાલી સ્ટુડિઓઝ અને એએઝેડ ફિલ્મ્સ દ્વારા એપ્રિલ ૨૦૨૫મા એક કોલબરેશનની જાહેરાત કરવામાં આવી હતી
મુંબઈ,ભાનુશાલી સ્ટુડિઓઝ અને એએઝેડ ફિલ્મ્સ દ્વારા એપ્રિલ ૨૦૨૫મા એક કોલબરેશનની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ તેઓ અલગ અલગ જોનરની ૩ ફિલ્મ બનાવવાનાં છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે બિલકુલ નવી જોડી એવા પંકજ ત્રિપાઠી અને અદિતી રાવ હૈદ્રી તેમની પહેલી ફિલ્મ ‘પારિવારિક મનુરંજન’નું કામ શરૂ કરવા જઈ રહ્યા છે. સુત્રો દ્વારા મળતી મહિતી અનુસાર આ ફિલ્મ એક બિલકુલ એકબીજાથી વિરોધાભાસી પતિ પત્નીની વાત કરતી પારિવારિક ફિલ્મ હશે.
આ ફિલ્મ વરુણ વી શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.સુત્રએ જણાવ્યું,“શુક્રવાર, ૫ જૂનથી ફિલ્મનું શૂટિંગ લખનૌમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મની ટીમની ઇચ્છા એક બિલકુલ નવી જોડી લેવાની હતી અને તેમને પંકજ ત્રિપાઠી અને અદિતી રાવ હૈદ્રીમાં તેમની આ લીડ જોડી મળી ગઈ છે.” આ ફિલ્મ વિનોદ ભાનુશાલી અને હિમાંશુ મહેરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છેસ જ્યારે તેનું ક્રિએટિવ પ્રોડક્શન અલી અબ્બાસ ઝફર કરે છે. તેમજ બ્રિજેન્દ્ર કાલા અને વરુણ શર્માએ આ ફિલ્મ લખી છે. આ અંગે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું,“આ ફિલ્મની સ્ક્રિપ્ટ એવી હતી
જેમાં કશુંક સાદું પણ ગમી જાય એવું અને છતાં તમે અવગણી ન શકે એટલું મજા પડે એવું હતું, તેથી હું આ ફિલ્મને ના ન પાડી શક્યો. આ એક એવી સ્ટોરી છે, જે તેની હુંફથી તમને તેના પર ધ્યાન આપવા મજબુર કરી દેશે. આ ફિલ્મમાં હું પહેલી વખત અદિતી સાથે કામ કરી રહ્યો છું અને મને તેની એક્ટિંગ અને તેની આવડત પ્રત્યે હંમેશા માન રહ્યું છે.”જ્યારે આ અંગે અદિતીએ કહ્યું,“મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી તો સતત મારા ચહેરા પર સ્મિત હતું. મારા માટે આ દુનિયામાં આવી સ્ટોરી મળવી એક અલભ્ય બાબત છે.
વાર્તામાં વિવિધ પરિસ્થિતિના કારણે સર્જાતી કોમેડી, અતાનક આવતાં વળાંકો અને તેના કારણે બનતી ઘટનાઓ અને ખાસ કરીને તેની હુંફ અને સાદગી ફિલ્મના કેન્દ્રમાં છે. એમાં પણ જો પંકજ સર સાથે કામ કરવા મળતું હોય તો વધુ સારી વાત છે. એ આ પ્રકારની ફિલ્મના માસ્ટર છે અને મારા માટે તેમની સાથે આમાં કામ કરવાનો અનુભવ ઘણું શીખવા સાથે ઘણી મજાનો હશે.”આ અંગે ડિરેક્ટર વરુણ વી.શર્માએ જણાવ્યું, “ ‘પારિવારિક મનુરંજન’ એવી સ્ટોરી છે, જે મારા દિલથી નજીક છે, જીવનની અંધાધુધી અને રમુજમાં તેનાં મૂળ છે. તેમાં પંકજ સર અને અદિતી પહેલી વખત એક સાથે કામ કરે છે, તેથી કશુંક નવું છતાં હુંફભર્યું, ઇમાનદાર અને દરેકને સ્પર્ષી જાય એવું લાવતાં અમે પણ ખુશ છીએ.”