જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ ‘ફાઈન્ડિંગ ગટ્ટુ’નું વિમોચન
‘ફાઈન્ડિંગ ગટ્ટુ’ એ પન્નાલાલ પટેલનાં દોહિત્રી નતાશા પટેલ નેમા દ્વારા તેમની ગુજરાતી આત્મકથાનું અંગ્રેજીમાં કરાયેલું રૂપાંતર છે
રાજ્યને જ્ઞાનપીઠ એવોર્ડનું બહુમાન અપાવનાર પન્નાલાલ પટેલના વિરલ વ્યક્તિત્વ વિશે આજની યુવા પેઢી આ પુસ્તક થકી સુપેરે અવગત થશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે પ્રસિદ્ધ ગુજરાતી લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ ‘ફાઈન્ડિંગ ગટ્ટુ’ નું વિમોચન કર્યું હતું. આ પુસ્તક પન્નાલાલ પટેલનાં દોહિત્રી નતાશા પટેલ નેમા દ્વારા તેમની ગુજરાતી આત્મકથાનું અંગ્રેજીમાં કરાયેલું રૂપાંતર છે.
આ પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં હર હંમેશ સાહિત્યકારો, કલાકારો અને કલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપણને સૌને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’નો કાર્ય મંત્ર આપ્યો છે ત્યારે જે લોકો પ્રયાસ કરતા હોય અને આગળ આવવા માટે તત્પર હોય તેમની સાથે ઊભા રહેવા માટે અને તેમને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
પન્નાલાલ પટેલના જીવન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યને જ્ઞાનપીઠ એવોર્ડનું બહુમાન અપાવનાર પન્નાલાલ પટેલનું વ્યક્તિત્વ ખરેખર વિરલ હતું. તેમના ગૌરવશાળી વ્યક્તિત્વ અને જીવન સફરની વાત આજની યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેમની ગુજરાતી આત્મકથાને અંગ્રેજીમાં નવા દૃષ્ટિકોણ સાથે રજૂ કરવા બદલ લેખિકા-અનુવાદક સુશ્રી નતાશાબહેન અભિનંદનને પાત્ર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે લેખિકા શ્રી નતાશા પટેલ નેમાએ જણાવ્યું હતું કે, તેમના દાદાની આત્મકથા ‘જિંદગી સંજીવની’ વાંચીને તેમને આજની યુવા પેઢી સુધી પન્નાલાલ પટેલના જીવનની અજાણી વાતોને અંગ્રેજીમાં પહોચાડવાનો વિચાર આવ્યો અને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. ઘરઘાટીનું કામ કરવાથી લઈને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરવા સુધીની તેમના દાદાની આ સફર ખરેખર યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે, એમ તેમણે ઉમેર્યું હતું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન પણ બાળપણમાં ખૂબ જ સંઘર્ષભર્યું હતું અને પોતાના પરિશ્રમ થકી તેઓ આજે દેશના વડાપ્રધાન પદે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં લેખિકાના વિચારો અને શ્રી પન્નાલાલ પટેલના જીવનની પ્રામાણિકતા અને પારદર્શિતાનું તાદૃશ નિરૂપણ કરવામાં આવ્યું છે. લેખિકાએ આ પુસ્તકમાં પન્નાલાલ પટેલના જીવન પ્રસંગો, તેમના જીવનમાં આવેલા વિવિધ પાત્રો સહિત તેમના મિત્રો અને માર્ગદર્શકોને આગવા અંદાજમાં વર્ણવ્યા છે.
પન્નાલાલ પટેલના જીવન અંગે વાત કરતા શ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, રાજ્યને જ્ઞાનપીઠ જેવા બહુમૂલ્ય એવોર્ડનું બહુમાન આપાવનારા શ્રી પન્નાલાલ પટેલની કૃતિઓમાં જનસામાન્યની વાત એક આગવા અંદાજમાં વર્ણવેલી હોય છે. તેમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ વાચકના મનને ઢંઢોળે છે. ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર જોશી અને રા.વિ. પાઠક જેવા ગુજરાતના ગૌરવ સમાન સાહિત્યકારો સાથેનો શ્રી પન્નાલાલ પટેલનો નાતો ખૂબ જ અનેરો હતો. આ સાહિત્યકારો જે તે સમયે શ્રી પન્નાલાલ પટેલના મિત્ર અને માર્ગદર્શક રહ્યાં હતાં એમ તેમણે ઉમેર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે પન્નાલાલ પટેલના પરિવારના સભ્યો શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રી મનીષા લવકુમાર તથા અન્ય સભ્યશ્રીઓ, નરોડાના ધારાસભ્યશ્રી ડો. પાયલ કુકરાની સહિત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.