Western Times News

Gujarati News

AMCના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં એડમિશન માટે વાલીઓનો ધસારો

સરકારી સ્કૂલ ચલે હમ : થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી ‘થલતેજ અનુપમ શાળા – ૨’માં વાલીઓની એડમિશન માટે પડાપડી – વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું

અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૧ વર્ષમાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

‘સરકારી સ્કૂલોમાં એડિશમન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – ૨ એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આ બાબતોને ધ્યામાં રાખીને આ વર્ષે થલતેજ અનુપમ શાળા – ૨માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી, સાથો-સાથ આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે નામાંકન સર્વે મુજબ  બાળકોની સંખ્યાની વાત કરીએ તો, બાળવાટિકામાં પ્રવેશપાત્રની બાળકોની સંખ્યા ૮૨૫૫ તેમજ ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૫૦૧ છે, આમ કુલ ૯૭૫૬ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા છે.

રાજ્ય સરકાર બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે.

રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે, ક્વોલિફાઇડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.

થલતેજ અનુપમ(સ્માર્ટ) પ્રાથમિક શાળા નંબરમાં ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૪, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના છેલ્લાં ૧૧ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે.  જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ તેમજ ૨૦૨૪-૨૦૨૫માં ૪૩૯૯ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ,

સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે.

એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે-અઢી દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે.

એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ અંતર્ગત મહત્તમ આયામોનો સમાવેશ કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાઓમાં કરવામાં આવ્યો છે અને તેના પરિણામે આજે સરકારી સ્કૂલોમાં ૧૦૦ ટકા નામાંકન થઇ રહ્યું છે.  આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ,  સ્માર્ટ સ્કૂલ,

આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે..

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની ૨૧૪ શાળાઓમાં નાની-મોટી માળખાકિય સુવિધા યુક્ત કામગીરી ચાલી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શાળાઓનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, અંદાજિત ૧૮ જગ્યાઓ પર નવી સ્કૂલોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલી રહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના ઉપક્રમે આ પ્રકારની માળખાકિય સુવિધાયુક્ત શિક્ષણ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયની સાથે ખભે થી ખભો મિલાવીને જરૂરી તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે. આગામી સમયમાં જે વિશ્વાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મૂક્યો છે તેને પૂર્ણ કરવામાં સ્કૂલ બોર્ડ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.