આણંદ જીલ્લાની નવોદય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયાથી વાલીઓ ખફા
૧૨ પૈકી ૬ વિદ્યાર્થીઓ હજી પણ પ્રવેશથી વંચિત
(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬થી પ્રવેશ મેળવવાને લઈ પ્રવેશ વંચિત ૧૨ જેટલા વિદ્યાર્થીઓ માટે વિવાદ સર્જાયો હતો. પ્રવેશ પરિક્ષાનુ પ્રથમ મેરિટ જાહેર થતાં તેમાં આ ૧૨ વિદ્યાર્થીઓના નામ હોવા છતાં તેઓને શાળા દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
જેથી વાલીઓએ ઉચ્ચકક્ષાએ અને સાંસદ સમક્ષ રજૂઆત પણ કરી હતી. ભારે હોબાળો થયા બાદ ૧૨ પૈકી ૬ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે, પરંતુ ૬ વિદ્યાર્થીઓ હજી પણ પ્રવેશ પ્રક્રિયાની આંટીઘૂંટી વચ્ચે અટવાયેલા હોવાથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય સમગ્ર દેશના દરેક જીલ્લાઓમાં કાર્યરત છે?. તે મુજબ આણંદ જીલ્લાની નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે કાર્યરત છે. આ શાળામાં ધો.૬થી ૮૦ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવા પરિક્ષા લેવામાં આવે છે.
જેમાં જીલ્લાની રૂરલ અને અર્બન શાળાઓના અંદાજીત પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે. જેનુ પરિણામ આવતા ૮૦ વિદ્યાર્થીઓનુ મેરિટ લીસ્ટ તાજેતરમાં જાહેર થયું હતું. જે પૈકી ૬૮ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ હતી. પરંતુ ૧૨ વિદ્યાર્થીઓને રૂરલ અર્બનના ગૂંચવાડામાં એડમિશનથી વંચિત રહેવું પડ્યું હતું.
જેથી ૧૨ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના આચાર્ય, મામલતદાર, કલેક્ટર, ધારાસભ્યો, સાંસદ સહિત અનેક લોકો સમક્ષ રજૂઆતો કરી હતી. આ ૧૨ વિદ્યાર્થીઓને એડમિશન આપવા રૂરલની શાળામાંથી આવતા હોવાનો પુરાવો આપવો જરૂરી બનતો હતો.
જે દરેક વાલીઓએ ધો.૫ની શાળાના આચાર્યનો દાખલો લાવી આપ્યો હતો. ત્યારબાદ શાળાના એક ફોર્મ ઉપર ગ્રામ્ય મામલતદારનો સહી સિક્કો લાવવાનો થતો હોઈ તે મેળવવા પ્રયત્ન કરતા જે તે મામલતદાર નહીં કરી આપતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો.
જેથી આ સમગ્ર બાબતની જાણ સાંસદ મિતેશભાઈ પટેલની ઓફિસે પહોંચ્યો હતો. જ્યાંથી સાંસદે વાલીઓને સાંભળી આચાર્યને એડમિશન આપવા અને મામલતદારને સહી સિક્કા કરી આપવા તાકીદ કરવામાં આવ્યા હતા. જેથી આચાર્યે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાંસદને બાંહેધરી આપી હતી.
જે અંગેનો વિડીયો પણ સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયો હતો. પરંતુ ત્યારબાદ બીજા દિવસે શાળાના આચાર્ય દ્વારા ૧૨ પૈકી ૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેઓની પ્રક્રિયા સંપન્ન કરી હતી. જેથી બાકી રહેલ છ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં તપાસ કરતા એક બે દિવસમાં થઈ જવાની હૈયાધારણા આપી હતી.
છતાં આજદિન સુધી એ છ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. જેઓના વાલીઓએ આજરોજ શાળા અને સાંસદની ઓફિસે તપાસ કરતાં આ મામલો હજી પણ ગૂંચવાયેલો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ હોવા છતાં શા માટે પ્રવેશ નથી અપાતો ?
પ્રવેશ પરિક્ષા પાસ કરી અને મેરિટમાં નામ આવ્યા બાદ જ કેમ આવું ? પ્રવેશ પરિક્ષા માટે કરેલ મહેનતનું શું ? ધો.૫ની શાળાના આચાર્ય ગ્રામ્યમાં શાળા હોવાનો લેટર આપવા છતાં મામલતદાર શા માટે સહી સિક્કો નથી કરી આપતા ? આવા અનેક પ્રશ્નો જટીલ પ્રવેશ પ્રક્રિયાને લઈ વાલીઓમાં ઉઠવા પામ્યા છે.
શું રંધાય છે ?
નવોદય વિદ્યાલયમાં પોતાના બાળકને અભ્યાસ કરાવવો એ પણ એક સ્વપ્ન હોય છે. માટે જ વાલીઓ ધો.૫ થી જ પોતાના બાળકને મહેનત કરાવવાનું શરૂ કરે છે. એટલે જ ૮૦ સીટ માટે હજારો વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે. હવે જાે આ પરિક્ષા પાસ?
કરી મેરિટમાં નામ હોવા છતાં પ્રવેશથી વંચિત રહે તો તે વાલીઓ શું કરે ? ભાદરણ સ્થિત નવોદયમાં હજીપણ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓના વાલીઓ જણાવી રહ્યા છે કે આજે અમે શાળામાં તપાસ કરી, સાંસદની ઓફિસે પણ પુનઃ રજૂઆત કરી અને મામલતદાર કચેરીનો પણ સંપર્ક કર્યો હતો.
પરંતુ મામલતદાર કચેરીએથી એક પત્ર શાળાને સંબોધી મોકલવામાં આવ્યો હતો. જે પત્રમાં કંઈક તૃટીઓ હોવાથી શાળાએ એ પત્ર સાંસદની ઓફિસે મોકલી આપ્યો હોવાનું વાલીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદારનો પત્ર શાળાના જ એક કર્મચારીએ રૂબરૂ મેળવ્યો હતો.
એટલે વાલીઓમાં પણ આક્રોશ એ વાતનો છે કે હજી પણ આચાર્ય અને મામલતદાર ગ્રામ્ય વચ્ચે શું રંધાઈ રહ્યું હશે ? આ અંગે શાળાની પ્રવેશ પ્રક્રિયા સાથે જાેડાયેલ સંજયભાઈનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓ કોલ કાપી રહ્યા હતા.