રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા
સપ્ટેમ્બર 9, 2020: રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ આજે સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા શ્રી પરિમમ નથવાણી અગાઉ દિલ્હીની યાત્રા કરવા અસમર્થ હોવાથી તેઓ તેમની સાથે ચૂંટાયેલા સભ્યોની સાથે શપથ ગ્રહણ કરી શક્યા ન હતા.
ઝારખંડથી 2008 અને 2014 એમ સતત બે ટર્મ સુધી રાજ્યસભામાં ચૂંટાયેલા શ્રી પરિમલ નથવાણી ત્રીજી ટર્મ માટે જૂન 19,2020ના રોજ આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
“આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ 90 ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે.
અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે,” એમ શ્રી નથવાણીએ દિલ્હીમાં શપથ ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું.
શ્રી નથવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “હજુ ગયા સપ્તાહે ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ દ્વારા આંધ્રપ્રદેશને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.
સોમવારે માનનીય મુખ્યમંત્રીએ વાય.એસ.આર. સંપૂર્ણ પોષણ યોજનાનો પ્રારંભ કર્યો, જે અંતર્ગત 30 લાખ લાભાર્થીઓને ફોર્ટીફાઇડ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવશે. ઓગષ્ટમાં, સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ભારતના ટોચના 10 સ્વચ્છ શહેરો (10 લાખથી વધારે વસતિ ધરાવતાં શહેરો)ની યાદીમાં વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થયો. છેલ્લાં એક વર્ષમાં મુખ્યમંત્રીશ્રીએ મેળવેલી સિધ્ધિઓ અને લોક કલ્યાણ યોજનાઓની આ માત્ર એક ઝાંખી છે.”
“આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા 12 વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ,” એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.