પાર્કિંગની સમસ્યાનો હવે અંતઃ પૂર્વ ઝોનમાં ૩૪૩૯ વાહનો પાર્ક કરવા પ્લોટ નક્કી કરાયા
વાહનચાલકોને મોટી રાહતઃ વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન પાસેના પ્લોટમાં ૩૯૦ ટુ વ્હીલર અને ૯૨ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
અમદાવાદ, શહેરીજનો માટે રસ્તા પરનાં ખાડા, બિસમાર રસ્તા, રખડતાં ઢોર ઉપરાંત રોજબરોજનાં જીવનમાં કનડતી સમસ્યામાં ટ્રાફિક જામનો સમાવેશ થાય છે. આમ તો તંત્ર વિવિધ દબાણોનાં કારણે સાંકડા થયેલા રસ્તાથી થતા ટ્રાફિક જામનાં પ્રશ્નનાં નિરાકરણ માટે સમયાંતરે ડ્રાઈવ ચલાવીને આવાં દબાણોને દૂર કરે છે તેમજ નીતનવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરીને વાહનચાલકોને સરળતા થાય તેવા પ્રયાસો કરે છે.
તેમ છતાં જાે વાહનચાલકોને તેમનાં વાહનનાં સુવ્યવસ્થિત પાર્કિગ માટે યોગ્ય જગ્યા ન મળે તો રસ્તા પર આડેધડ થતાં વાહનોનાં પાર્કિંગ પણ ટ્રાફિકની સમસ્યાને વધુ વકરાવે છે, જેના કારણે મ્યુનિ. સત્તાધીશોએ રોડ પરનાં પાર્કિગ એટલે કે ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નવો અભિગમ અપનાવ્યો છે.
આ ઉપરાંત ઓફસ્ટ્રિટ પાર્કિંગ એટલે કે મ્યુનિ. પ્લોટ કે બ્રિજ નીચેનાં પાર્કિંગ ઉપર તંત્ર ખાસ ભાર મૂકી રહ્યું છે. પૂર્વ ઝોનમાં સત્તાવાળાઓએ વિવિધ મ્યુનિ. પ્લોટ પર કુલ ૩૪૩૯ વાહનોનાં પાર્કિગ માટેની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતરમાં મ્યુનિ. સત્તાવાળાઓએ પશ્ચિમ ઝોનમાં વાહનચાલકોને આંબેડકર રિવરબ્રિજ, અંજલિ ફ્લાય ઓવરબ્રિજ, શ્રેયસ ફ્લાય ઓવરબ્રિજ અને રાણીપ ઓવરબ્રિજ નીચે કુલ ૧૬૫૫ વાહનો પાર્ક કરી શકે તે દિશામાં હિલચાલ આરંભી છે. આ ચારેય બ્રિજની નીચે કુલ ૧૦૨૫ ટુ વ્હીલર અને ૬૩૦ ફોર વ્હીલરને વાહનચાલકો ટૂંક સમયમાં પાર્ક કરી શકશે અને આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું અમુક અંશે નિરાકરણ આવશે.
આ તમામ વાહનોનું પાર્કિંગ ઓફસ્ટ્રીટ પોલિસી હેઠળ થશે, જ્યારે તંત્રે વધુ પાંચ રસ્તાને પસંદ કર્યા હોઈ આ રસ્તાઓ પર વાહનચાલકો વધુ ૧૧૫૦ વાહનને ઓનસ્ટ્રીટ પાર્ક કરી શકશે. હવે તંત્ર તેની પરંપરાગત ઓફસ્ટ્રીટ પાર્કિંગ હેઠળ પૂર્વ ઝોનમાં વધુ ૩૪૩૯ વાહનોનાં પાર્કિંગ માટે તજવીજ હાથ ધરી છે, જે માટેનાં ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે.
ઓફસ્ટ્રીટ પાર્કિંગ હેઠળ સત્તાવાળાઓએ કુલ પાંચ પ્લોટ પસંદ કર્યા છે, જેમાં વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન પાસેના પ્લોટનો પણ સમાવેશ થાય છે. ટીપી સ્કીમ નંબર ૧૧૪ (વસ્ત્રાલ) અને ફાઈનલ પ્લોટ નંબર ૧૨૩ના આ પ્લોટમાં વાહનચાલકો કુલ ૩૯૦ ટુ વ્હીલર અને ૯૨ ફોર વ્હીલર પાર્ક કરી શકશે, જે માટે વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ.૪,૯૯,૫૦૦ રખાઈ છે.
જ્યારે ટીપી સ્કીમ નં.૧૦૫ વસ્ત્રાલના ફાઈનલ પ્લોટ નં.૫૧ના મહાદેવનગરના ધનંજય પાર્ક સામેની મ્યુનિ. પ્લોટમાં કુલ ૬૭૦ ટુ વ્હીલર અને ૧૨૫ ફોર વ્હીલર મળીને કુલ ૭૯૫ વાહનોની પાર્ક કરી શકાશે. આ પાર્કિંગ પ્લોટ માટેની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ.૭,૮૩,૭૫૦ છે, જ્યારે ટીપી સ્કીમ નં.૧૦૬ વસ્ત્રાલના ફાઈનલ પ્લોટ નં.૧૫૯ના મ્યુનિ. પ્લોટમાં કુલ ૬૯૦ ટુ વ્હીલર અને ૮૦ વ્હીલર મળીને કુલ ૭૭૦ વાહનો પાર્ક કરી શકાશે.
આ પ્લોટ વસ્ત્રાલની અર્પણ સ્કૂલની બાજુમાં આવેલો છે, જેની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ. ૬,૫૭,૦૦૦ છે. ટીપી સ્કીમ નં.૧૧૪ વસ્ત્રાલના ફાઈનલ પ્લોટ ૧૬૦માં વાહનચાલકો કુલ ૫૪૦ ટુ વ્હીલર અને ૧૧૮ ફોર વ્હીલર મળીને કુલ ૬૫૨ વાહનો પાર્ક કરી શકશે.
વસ્ત્રાલના રતનપુરા ગામ પાસેના આ પ્લોટની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ. ૬,૫૭,૦૦૦ છે. તંત્ર દ્વારા ટીપી સ્કીમ નં.૦૭ (રાજપુર-હીરાપુર) અને ટીપી સ્કીમ નં.૦૭ (ખોખરા-મહેમદાવાદ)ના ફાઈનલ પ્લોટ નં. ૨૪ ૨૯ ૬૨ ૬૩ પૈકીના અમરાઈવાડીના જયભારત ગોડાઉન પાસેના મ્યુનિ. પ્લોટમાં કુલ ૭૪૦ વાહનોનાં પાર્કિગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ પ્લોટની વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ.૬,૭૫,૦૦૦ની રખાઈ છે.