સંસદની કાર્યવાહી ૧૬ માર્ચે માત્ર ૩.૩૦ મિનિટ માટે ચાલીઃ હજુ ૩૫ બિલ પેન્ડિંગ
સંસદમાં પાંચ દિવસમાં માત્ર બે કલાકનું જ કામ થયું-તૃણમૂલ કોંગ્રેસે શાસક પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલા હંગામાને લઈને સરકાર પર નિશાન સાધ્યું
૧૩ માર્ચથી ૧૭ માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર ૪૨ મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા ટીવીના ડેટા અનુસાર ૧૩ માર્ચે ૯ મિનિટ, ૧૪ માર્ચે ૪ મિનિટ, ૧૫ માર્ચે ૪ મિનિટ, ૧૬ માર્ચે ૩.૩૦ મિનિટ અને ૧૭ માર્ચે માત્ર ૨૨ મિનિટે જ કાર્યવાહી ચાલી હતી.
નવી દિલ્હી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને હોબાળાના કારણે પાંચમા દિવસે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું.
લોકસભા અને રાજ્યસભા બંને સોમવાર એટલે કે ૨૦ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદ સ્થગિત થયા બાદ કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર ગૃહને ચાલવા દેતી નથી અને અદાણી કેસ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. ભાજપ ગૃહમાં રાહુલ ગાંધીની માફી માંગ કરી રહ્યો છે. બજેટ સત્રનો બીજાે તબક્કો ૧૩ માર્ચે શરૂ થયો હતો, પરંતુ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ પણ પુરી થઈ શકી ન હતી. સંસદના આ સત્રમાં હજુ ૩૫ બિલ પેન્ડિંગ છે.
તૃણમૂલ કોંગ્રેસે શાસક પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલા હંગામાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને લખ્યું છે કે છેલ્લા ૫ દિવસથી સત્તાધારી પક્ષના લોકો સંસદમાં કામકાજ થવા નથી દેતા. સરકાર બંને ગૃહોને અપ્રાસંગિક અને ડાર્ક ચેમ્બરમાં ફેરવવાના મિશન પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આ રેકોર્ડ છે. ૨૦૦૮ પછી આ પ્રથમ વખત છે જ્યારે સત્તાધારી પક્ષોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હોય. ૨૦૦૮માં સત્તામાં સામેલ ડાબેરી પક્ષોએ અમેરિકા સાથેના પરમાણુ કરારને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં સરકારે ગૃહમાં વિશ્વાસનો મત મેળવવો પડ્યો. સપાએ તે સમયે મનમોહન સરકારને બહારથી સમર્થન આપીને બચાવી હતી.
શુક્રવારે કાર્યવાહી સ્થગિત કરતા પહેલા ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી હતી. તેમણે
કહ્યું તમે બધા ગૃહ ચલાવવા દો. ગૃહની કાર્યવાહી જેમ જેમ આગળ વધશે, અમે દરેકને બોલવાની તક આપીશું.
આ દરમિયાન કોંગ્રેસના સાંસદો ‘રાહુલ કો બોલને દો’ના નારા લગાવતા વેલમાં આવી ગયા હતા, ત્યારબાદ ભાજપના સાંસદોએ પણ ‘રાહુલ શરમ-શરમ કરો’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. ગૃહમાં હંગામો જાેઈને લોકસભાના સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
૧૩ માર્ચથી ૧૭ માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર ૪૨ મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા ટીવીના ડેટા અનુસાર ૧૩ માર્ચે ૯ મિનિટ, ૧૪ માર્ચે ૪ મિનિટ, ૧૫ માર્ચે ૪ મિનિટ, ૧૬ માર્ચે ૩.૩૦ મિનિટ અને ૧૭ માર્ચે માત્ર ૨૨ મિનિટે જ કાર્યવાહી ચાલી હતી.
આ દરમિયાન ન તો ગૃહમાં કોઈ બિલ પર ચર્ચા થઈ શકી ન તો પ્રશ્નકાળ અને શૂન્યકાળનું કામ થયું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે સરકારના મંત્રીઓ ગૃહમાં હંગામો મચાવી રહ્યા છે અને મને બોલવા દેતા નથી.
છેલ્લા ૫ દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી ૫૫ મિનિટ સુધી ચાલી હતી. જાે કાર્યવાહીને દરરોજના હિસાબે જાેવામાં આવે તો સરેરાશ ૧૧ મિનિટ ચાલી હતી. ૧૩ માર્ચે સંસદની કાર્યવાહી મહત્તમ ૨૧ મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ગૃહના નેતા પીયૂષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતપોતાની વાત રાખી હતી.
ખડગે નાટુ-નાટુ ગીત માટે ઓસ્કાર એવોર્ડ માટે વડાપ્રધાન મોદીને ટોણો મારતા દેખાયા હતા, પરંતુ જેપીસીની માંગને લઈને ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. પીયૂષ ગોયલે રાહુલ ગાંધીની માફી માંગવાની વાત શરૂ કરી, જેના કારણે વિપક્ષના નેતા વેલમાં આવી ગયા. હોબાળો જાેઈ અધ્યક્ષે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
સંસદનું મૂળ કાર્ય કાયદો ઘડવાનું છે. સંસદ પણ કાર્યપાલિકાને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. બંધારણની કલમ ૭૫(૩) જણાવે છે કે કેબિનેટ અને સરકાર સંસદ પ્રત્યે જવાબદાર રહેશે. જાે લોકસભામાં કોઈપણ પક્ષની બહુમતી ન હોય તો સરકાર બનાવી શકાતી નથી.
ભારતમાં સંસદને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો સામે મહાભિયોગ કરવાની સત્તા છે. આ સિવાય નાણા સંબંધિત કામ પણ સંસદમાં જ થઈ શકે છે. સંસદની કાર્યવાહી સામાન્ય રીતે અઠવાડિયામાં ૫ દિવસ ચાલે છે. સંસદની કાર્યવાહી દરરોજ ૭ કલાક ચલાવવાની પરંપરા છે.
૨૦૧૮માં સંસદની કાર્યવાહીના ખર્ચને લઈને એક રિપોર્ટ આવ્યો હતો. જાે કે, હવે આ રિપોર્ટને ૫ વર્ષ થઈ ગયા છે અને ૨૦૧૮ની સરખામણીએ મોંઘવારી પણ વધી છે. આ રિપોર્ટ અનુસાર સંસદમાં એક કલાકનો ખર્ચ ૧.૫ કરોડ રૂપિયા છે.
દિવસ પ્રમાણે ગણવામાં આવે તો આ ખર્ચ વધીને રૂ. ૧૦ કરોડથી વધુ થાય છે. સંસદમાં એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ ૨.૫ લાખ રૂપિયા છે. સંસદની કાર્યવાહી દરમિયાન સૌથી વધુ ખર્ચ સાંસદોના પગાર, સત્ર દરમિયાન સાંસદોને આપવામાં આવતી સુવિધાઓ અને ભથ્થાઓ, સચિવાલય અને સંસદ સચિવાલયના કર્મચારીઓના પગાર પર કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર આ વસ્તુઓમાં દર મિનિટે ૧.૬૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.