પ્રેરણાનો સ્ત્રોત બનતો સો ટકા ડિસએબીલીટી ધરાવતો પાલનપુરનો પાર્થ ટોરોનીલ

“સ્પાઈન કોડ ડેમેજ” થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમઃ ૩ પુસ્તકોના લેખન થકી યુવા લેખક તરીકેની સફર શરૂ કરી
(માહિતી બ્યુરો, પાલનપુર) આજે વાત માંડવી છે, જીવનના હકારની. જીવન જીવવાનો હકારાત્મક અભિગમ “પોઝિટિવ એટીટ્યુડ” ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તમને જીવતા શિખવી શકે છે. જીવન જેવું છે તેવું સ્વીકારી લેવાની સહજતા જાે કેળવાય તો જીવન ક્યારેય કષ્ટદાયી લાગતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાનો ઘૂંટડો ગળે ઉતારી જીવન જીવવાની સાચી કળા આત્મસાત કરનાર ૩૦ વર્ષીય યુવા લેખક પાર્થ ટોરોનીલની જીવન કથની આજના યુવાનો અને જીવનથી હતાશ થઈ ગયેલા દરેક જણ માટે પ્રેરણાના ધોધ સમાન છે. પણ એની જિંદગીની કડવી વાસ્તવિકતા આંખના ખૂણા ભીંજવી દે એવી ભયાનક છે.
એક દુર્ઘટનામાં પોતાની ભરયુવાની અપંગતામાં ખપી જાય એ યુવાન જિંદગી પાસેથી શું અપેક્ષા રાખી શકે ? કુદરતના ન્યાયને કેવી રીતે સાચો ઠેરવી શકે ? કે જેના સપનાં અરમાનો જ યુવા અવસ્થામાં ચકનાચૂર થઈ ગયા હોય, છતાં પણ ફક્ત ને ફક્ત પોતાના મજબૂત મનોબળ અને પોઝિટિવ એટીટ્યુડ થકી જીવન જીવવાનો નવો માર્ગ શોધી કાઢનાર પાર્થ ટોરોનીલ પોતાની એ દુર્ઘટનાને કુદરતના કોઈ આશીર્વાદ સમજી “ઇન્જરી એનિવર્સરી ડે” તરીકે ઉજવી પોતાની યુવા લેખક તરીકેની આગવી ઓળખ ઉભી કરવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. તો આવો આજે માણીએ એક જીવતી વાર્તા કે જેમાં આધુનિક જીવન અને ભૌતિકવાદ પાછળ આંધળી દોટ મુકનાર પેઢી માટે જીવન જીવવાની એક અનોખી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બન્ને છે.
પાર્થ ટોરોનીલ એટલે પાર્થ મહેન્દ્રભાઈ પટેલ. બનાસકાંઠા જિલ્લાના નવાબી નગર પાલનપુરનો વતની. પિતા મહેન્દ્રભાઈ પાલનપુરમાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને માતા રેણુકાબેન ગૃહિણી છે. જ્યારે મોટો ભાઈ નિકુંજ અમદાવાદમાં પોતાનો ધંધો સંભાળે છે. પાર્થનો જન્મ ૧૯૯૨માં ૮ મી સપ્ટેમ્બરે થયો. ઘરમાં નાનો હતો એટલે સ્વભાવિક છે કે, સૌનો લાડકવાયો હતો. પણ ૩૦ મી ઓક્ટોબર ૨૦૧૦નો દિવસ પાર્થ સહિત પટેલ પરિવાર માટે કુદરતી પ્રકોપ બની રહ્યો. પોતાના ફોઈના ઘેર વડોદરા વેકેશન માણવા ગયેલો પાર્થ સ્વીમીંગ પુલમાં છલાંગ લગાવતાં એક અકસ્માતનો ભોગ બન્યો અને ફક્ત ૧૮ વર્ષની ઉંમરે સો ટકા ડિસએબેલીટી (પેરાલીસીસ) એની યુવાનીને ભરખી જનાર અભિશાપ લઈ આવી.
મેડિકલની ભાષામાં “સ્પાઈન કોડ ડેમેજ” કહેવાય એવી આ દુર્ઘટનાએ પાર્થનું કમર નીચેનું અંગ સાવ ચેતનાહિન કરી દીધું અને હાથની હિંમત પણ છીનવી લીધી. ફક્ત એક આંગળીનું ટેરવું સામાન્ય હલનચલન કરી શકે એટલી જ ચેતના એના ઉપરના અંગમાં રહી અને આ ચેતના જ એના જીવનનો નવો માર્ગ બની. આંગળીનું ટેરવું કલમ બની, લેપટોપના કી બોર્ડ પર ફરવા લાગ્યું અને સર્જાઈ જીવનના હકારાત્મક વલણની અદ્દભૂત જીવતી વાર્તા. પોતાની શારીરિક અક્ષમતાને પોતાના મન પર ક્યારેય હાવી ન થવા દઈ હિંમત હાર્યા વગર જીવન જેવું છે તેવું સ્વીકારી અભિશાપને આશીર્વાદમાં પલટાવી દેનાર પાર્થ આજે ખુશ છે અને તેના શબ્દોમાં જ કહીએ તો આજની ઘડી તે રળિયામળીના નિજાનંદમાં મસ્ત છે.
અમે જ્યારે પાર્થને મળ્યા ત્યારે પહેલો સવાલ કર્યો કેવું લાગે છે, ત્યારે એણે ચહેરા પર કોઈપણ રંજ વગરનું સ્મિત વેરતાં કહ્યું કે, “શરીરથી હાર્યો છું, મનથી નહિ” અને અમારી હિંમત પણ બેવડાઈ ગઈ ને લાગ્યું કે બંદે મેં હૈ દમ… હા ખરેખર પાર્થ કોઈ અનોખી માટીનો બન્યો હોય એમ જ લાગ્યું. બાકી જેનું સમગ્ર જીવન હવે પથારીમાં અને વ્હીલચેરના બે પૈડાં પર થંભી ગયું હોય એ વ્યક્તિ નવી ક્ષિતિજાેની શોધમાં આકાશને આંબવાની ઝંખના સમાન ધૈર્ય ને હિંમત લાવે ક્યાંથી… ? જીવનના પડકારનો સામનો પથારીમાં કે વ્હીલચેરમાં બેઠા બેઠા કરવો એ નાની સુની વાત નથી. આ પડકારને પહોંચી વળવા પાર્થે પોતાની એકલતા, અપંગતાને પુસ્તકોમાં ઓગાળી દીધી અને વિવિધ વિષયોના ૫૦૦ જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો.
આટલા વિશાળ વાંચન પછી લાગ્યું કે મારે લખવું જાેઈએ અને સફર શરૂ થઈ એક લેખક તરીકેની. પાર્થે લેખક તરીકે પહેલો વિષય જ એટલો બોલ્ડ પસંદ કર્યો કે એની જાહેરમાં ચર્ચા પણ ન થઈ શકે.. પોર્નોગ્રાફી જેવા સંવેદનશીલ અને બોલ્ડ સબ્જેક્ટ પર ગુજરાતી ભાષામાં પુસ્તક લખવું એજ મોટો પડકાર કહેવાય પણ પાર્થે હિંમત કરી આ વાત એના પપ્પા મહેન્દ્રભાઈને કરી અને મહેન્દ્રભાઈ પપ્પા મટી દોસ્ત બની ગયા અને પોર્નોગ્રાફી પર લખવાની મંજૂરી સાથે તમામ મદદ કરી અને હિંમત આપી.
પાર્થે પોતાની પ્રથમ પુસ્તક “મોડર્ન ડ્રગ” માં પોર્નોગ્રાફી વિષયને સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવતાં આ વિષય પર લખાયેલ પુસ્તક, લેખો, સેક્સોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટના મંતવ્યોથી માંડી સેક્સવર્કરોના અભિપ્રાયો સુધીનો ખજાનો ઠાલવી દીધો છે. જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશન સ્પીકર કાજલ ઓઝા વૈધે પણ આ પુસ્તકના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતના નામાંકિત અખબારમાં તેની ચર્ચા કરતો લેખ લખ્યો હતો. ત્યારબાદ પાર્થે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલતી ‘૧૦૮ આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ’ પુસ્તક લખ્યું અને ત્રીજું પુસ્તક “વૈધ- અવૈધ” નવલકથા સ્વરૂપે લખ્યું. હાલમાં પાર્થ “શબ્દ નિશબ્દ” અને ‘છલ- નિચ્છલ’ બે પુસ્તકો લખી રહ્યો છે.