5000 મીટર દોડમાં ગોલ્ડ સાથે પારૂલ ચૌધરીએ ઈતિહાસ રચ્યો
(એજન્સી)હાંગઝોઉ, ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. એશિયન ગેમ્સનો આજે ૧૦મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત ઈતિહાસ રચી રહ્યું છે.
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરીએ ૫૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતના મેડલની સંખ્યા ૬૪ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધી ભારતીય ખેલાડીઓએ ૧૪ ગોલ્ડ મેડલ જીત્યા છે.
એશિયન ગેમ્સ ૨૦૨૩માં મેડલ ટેલીમાં ભારત ચોથા ક્રમે છે. અત્યાર સુધીમાં ભારત ૧૪ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૬૩ બ્રોન્ઝ મેડલ સાથે ૬૪ મેડલ જીત્યું છે. ચીન પ્રથમ ક્રમે છે, તેણે ૧૫૬ ગોલ્ડ, ૮૫ સિલ્વર અને ૪૩ બ્રોન્ઝ મેડલ જીત્યા છે, ચીનના કુલ મેડલની સંખ્યા ૨૮૪ છે. બીજા ક્રમે રહેલા જાપાને ૧૨૭ મેડલ જીત્યા છે.
જાપાને ૩૩ ગોલ્ડ, ૪૫ સિલ્વર અને ૪૯ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કોરિયા ૧૩૭ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. કોરિયાએ ૩૨ ગોલ્ડ, ૪૨ સિલ્વર અને ૬૩ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.ભારતે ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી.