ફ્લાઈટના ટોઈલેટમાં સિગારેટ પીનાર પેસેન્જરની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, બ્રિટનના નાગરિકની અમદાવાદ એરપોર્ટ પોલીસે ધરપકડ કરી લીધી છે. ૪૫ વર્ષીય પેસેન્જર ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે ટોઈલેટમાં સિગારેટ પીધી હોવાની ઘટના સામે આવી છે.
આની ગંભીરતાને જાેતા સોમવારે પાયલોટે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પેસેન્જર વિરૂદ્ધ લોકોની અંગત સુરક્ષા અને તેમના જીવ જાેખમમાં મુકવાના પ્રયાસ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ પેસેન્જર મૂળ ગુજરાતનો વતની છે અને તે ભૂજ પોતાના વતન જઈ રહ્યો હતો
ત્યારે ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે એ પહેલા તેણે નિયમ ભંગ કર્યો હતો. આ ઘટના સવારે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. પાયલોટે ફરિયાદમાં ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ફ્લાઈટ લંડનથી અમદાવાદ આવી રહી હતી. તે સમયે સોમવારે સવારે ૧૦.૪૫ વાગ્યે આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ ૨ પર લેન્ડ થવાની હતી.
જાે કે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા લગભગ સવારે ૧૦ વાગ્યાની આસપાસ અચાનક કોકપિટની ડિસ્પ્લે સ્ક્રિન પર વોર્નિંગ અલાર્મનો મેસેજ પોપ-અપ થયો હતો. પાયલોટે તાત્કાલિક આને ઈમરજન્સીની કંડિશન સમજી ક્રૂ મેમ્બરને ટોઈલેટમાં શું થયું છે એ જાેવા જવા આદેશ આપ્યો હતો.
આ ઘટનાક્રમ અંગે ત્યારપછી ૨ ક્રૂ મેમ્બરે વિગતે જણાવ્યું હતું. ફ્લાઈટમાં અચાનક સ્મોક અલાર્મ વાગવાનું શરૂ થઈ ગયું હતું. ક્રૂ મેમ્બર્સ પણ બે ઘડી ગભરાઈ ગયા હતા. સ્થિતિ વધારે જાેખમી ન થયા એના માટે તેમને એક્શન લેવાની તૈયારીઓ પણ કરી લીધી હતી.
જાેતજાેતમાં ટોઈલેટમાંથી એક પેસેન્જર બહાર આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજતા તથા ફ્લાઈટમાં સવારી કરી રહેલા તમામ પેસેન્જરની સેફટી માટે ક્રૂ મેમ્બર્સે આ એલાર્મ પાછળનું કારણ શોધવા તજવીજ શરૂ કરી દીધી હતી.