પાટણ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદની આગાહીના પગલે સજ્જ
માહિતી બ્યુરો, પાટણ, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં વધુ વરસાદ થાય તો કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં SDRF ની ટીમને સ્ટેન્ડ ટુ કરાઈ છે. SDRFની ટીમમાં ૨૦ જેટલા સદસ્યો છે. જે વધુ વરસાદ વચ્ચે લોકોને બચાવવા માટે કામ કરી શકે છે. SDRFની ટીમ પાસે અત્યાધુનિક સાધન સામગ્રી છે. લાઈફ જેકેટ તેમજ આધુનિક બોટ થી તેઓ વધુ વરસાદમાં આપત્તિના સમયે જાનમાલ ને બચાવવા માટે કટિબદ્ધ છે.
ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૨૪ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીના માર્ગદર્શન થકી નગરપાલિકા થી લઈ તાલુકા પંચાયત સુધી આપત્તિ અથવા વધુ વરસાદના સમયે નુકશાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા છે.
ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે વરસાદના સમયે તમામ લોકોએ સાવચેતી રાખવી. વધુ વરસાદ થાય તો અને કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને ફોન કરી જાણ કરવી.