વોર્ડમાં દાખલ દર્દી કરતાં વધુ સંખ્યા નોંધી હોસ્પિટલની કેન્ટિનમાંથી ભોજન અપાતું હોવાનું સામે આવ્યુ
પાટણના ધારાસભ્યએ ધારપુર હોસ્પિટલની કેન્ટિનમાંથી સેમ્પલ લેવડાવ્યા
મહેસાણા, પાટણ-ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓ સહિત તેમના સગા સંબંધી અને સ્નેહીજનોને પડતી હાલાકીઓ બાબતે મળેલી રજૂઆતના પગલે બુધવારે સાંજે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ધારપુર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ધારપુર હોસ્પિટલની મુલાકાત દરમિયાન વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી તેમને હોસ્પિટલમાંથી આપવામાં આવતી તબીબી સારવાર સહિત જમવાની સુવિધા બાબતે પુછપરછ કરતાં દર્દીઓએ પોતાને અપાતા ભોજનમાં ગુણવત્તાયુકત ભોજન ન અપાતું હોવાનું જણાવતાં તેઓએ હોસ્પિટલમાં ચાલતી કેન્ટીનની મુલાકાત લીધી હતી. જયાં ભોજનની ગુણવત્તા તપાસી કેન્ટિન ચલાવતા કોન્ટ્રાકટર બાબતે પુછતા જાણવા મળ્યું હતું
કે કેન્ટિનનો કોન્ટ્રાકટ મેળવનાર એજન્સીએ કોન્ટ્રાકટ મેળવી તેને બારોબાર બીજા કોન્ટ્રાકટરને કેન્ટિન ચલાવવા આપી હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓએ ધારપુરના સત્તાધીશોને જાણ કરી ફૂડ વિભાગને સ્થળ પર બોલાવી દૂધ તેમજ રસોડાને લાગતી વિવિધ ચીજવસ્તુઓના સેમ્પલ લેવડાવ્યા હતા. તો વોર્ડમાં દાખલ દર્દી કરતાં વધુ દર્દીઓની સંખ્યા રજિસ્ટરમાં નોંધી કેન્ટિનમાંથી ભોજન આપવામાં આવ્યું હોવાની નોંધ કેન્ટિન સંચાલક દ્વારા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ધારપુર હોસ્પિટલની આકસ્મિક તપાસ બાબતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે કેન્ટિનની અંદર જે ભાઈ કામ કરે છે તે ભાઈએ કહ્યું કે, હું દર મહિને ૩ હજાર આપું છું પછી તેમને આ મામલે આના કાની કરી હતી તો તપાસ કરતા જાણવા મળ્યું કે જેમનો કોન્ટ્રાકટ છે તેમને બીજાને પેટા કોન્ટ્રાકટ તરીકે કેન્ટીન ચલાવવા આપી છે અને પેટા પાસેથી મૂળ કોન્ટ્રાકટર દર મહિને ત્રણ હજાર વસૂલવામાં આવે છે.
કાયદેસર રીતે જેનો કોન્ટ્રાકટ હોય એને કેન્ટીન ચલાવવાની હોય છે ત્યારે સમગ્ર બાબતની જાણ ધારપુરના એમ આર.એમ.ઓ.ને કરી છે અને એમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું જણાવાયું છે. ધારપુર કેન્ટીંગનો કોન્ટ્રાકટ મેળવી પેટા કોન્ટ્રાકટને કેન્ટીગ ચલાવવા આપવા મામલે તાત્કાલિક આ કેન્ટીગનું ટેન્ડર રદ કરી નિયમ મુજબ કેન્ટીગ ચલાવવામાં નહી આવે તો આ મામલે જે પણ પગલાં લેવા પડશે તે લેવાની ચીમકી ધારાસભ્યએ આપી હતી.