પાટણથી રૂ. ૧ કરોડથી વધુ મૂલ્યનો આશરે ૧૭,૨૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

પાટણના પાર્થ એસ્ટેટ ખાતે સ્થિત મે. શ્રી રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ પેઢીમાંથી શંકાસ્પદ ઘીના ૧૧ નમૂના લેવાયા
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાટણ ટીમ દ્વારા તારીખ: ૧૦/૦૩/૨૦૨૫ના રોજ મે. રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ B-1 અને B-21, પાર્થએસ્ટેટ (ક્રિષ્ના સ્કૂલની બાજુમાં), પાટણ ખાતે તપાસ કરવામાં આવી હતી.
જેમાં તપાસ દરમ્યાન પેઢીના જવાબદાર તરીકે શ્રી રાકેશભાઈ મોદી હાજર ન હોવાથી તેઓનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ હાજર થવા વારંવાર જણાવતા તેઓ સ્થળ ઉપર હાજર ન થયા હતા. જેથી જાહેર આરોગ્યના હિતમાં ગોડાઉનમાં શકાસ્પદ ખાદ્યચીજનો ઉત્પાદન થતી હોવાની બાતમી હોઈ તે અંગે પોલીસમાં જાણ કરી ગોડાઉનને સીલ કરી પોલીસ સ્ટાફની પહેરેદારી ગોઠવવામાં આવી હતી.
તાજેતરમાં જ આ પેઢીનાં જવાબદાર માલિકશ્રી રાકેશભાઈ મોદી હાજર થતા પોલીસની હાજરીમાં ગોડાઉન ખોલવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પેઢીમાં ખાદ્યચીજ ઘીનું ઉત્પાદન કરીને સંગ્રહ કરેલ માલૂમ પડ્યું હતું. તપાસ દરમિયાન પેઢીમાં “પામ કર્નલ ઓઈલ”નો જથ્થો માલુમ પડેલ હતો. તપાસ દરમિયાન પૂછતાછ કરતા ઉકત ઘી બટરમાંથી બનાવીએ છીએ તેમ કહ્યું હતુ, પરંતુ બટરનો કોઈ જથ્થો માલુમ પડેલ ન હતો.
પેઢીમાં ઘીની સાથે પામ કર્નલ તેલનો મોટો જથ્થો મળી આવેલ હોય પ્રાથમિક દ્રષ્ટીએ ઘીમાં તેલની ભેળસેળની શંકાના આધારે ઘીનાં અલગ અલગ પેક તથા બેચના ૧૦ અને તેલનો ૦૧ એમ કુલ ૧૧ નમૂનાઓ લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. બાકીનો રૂ. ૧ કરોડથી વધુ મૂલ્યનો આશરે ૧૭,૨૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરી નાગરીકો સુધી પહોંચતું અટકાવવામાં તંત્ર સફળ રહ્યું છે.
આ ખાદ્ય પદાર્થોમાં પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ અને તે અન્વયેના રેગ્યુલેશનસના શિડ્યુલ-૪ની જોગવાઇઓનું પાલન થતું ન હોઈ પેઢીના લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવેલ છે. નમૂનાઓના પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.