પાટણ જિલ્લાની ૧૬-રાધનપુર વિધાનસભા બેઠકના ખર્ચ ઓબઝર્વરએ લીધી સ્ટેટિક સર્વેલન્સ ટીમની મુલાકાત
(માહિતી બ્યુરો, પાટણ) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લામાં તા.૦૫.૧૨.૨૦૨૨ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે માટે પાટણમાં અનેક ટીમ કાર્યરત છે. ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખવા માટે કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા જિલ્લામાં ઓબઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. પાટણ જિલ્લાની ૧૬-રાધનપુર વિધાનસભા બેઠક માટે નિયુક્ત કરાયેલ ખર્ચ ઓબઝર્વરશ્રી સુસાંતા મિશ્રાએ સમી-શંખેશ્વર હાઈવે ત્રણ રસ્તા ખાતે આવેલ સ્ટેટિક સર્વેલન્સ ટીમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતુ અને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતુ.
જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને, કોઈ રોકડ-સાહિત્ય થકી ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ ન થાય તે માટે હાલમાં જિલ્લાના ત્રણ રસ્તા,ચાર રસ્તા,છ રસ્તા પર કે જ્યાં વાહનોની અવર-જવર વધુ રહેતી હોય ત્યાં સ્ટેટિક સર્વેલન્સ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. આ ટીમો આવતા-જતા વાહનો પર નજર રાખશે અને જાે કોઈ વાહનમાંથી આદર્શ આચારસંહિતાનો ભંગ કરતું સાહિત્ય કે રોકડ રકમ મળી આવશે તો ચાલકની પૂછપરછ કરશે અને જરૂરી કાર્યવાહી કરશે.
પાટણ જિલ્લામાં ૧૬-રાધનપુર વિધાનસભા બેઠકના ખર્ચ ઓબઝર્વરશ્રી સુસાંતા મિશ્રાએ સમી-શંખેશ્વર હાઈવે ત્રણ રસ્તા ખાતે આવેલ સ્ટેટટિક સર્વેલન્સ ટીમની મુલાકાત લીધી હતી અને ટીમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતે વાહનો પર નજર રાખવામાં આવી રહી છે, તે તમામની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી અને જરૂરી સુચનો પણ કર્યા હતા.
પાટણ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખવા માટે પાટણ જિલ્લામાં પાંચ ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ પાંચ ઓબઝર્વરમાં બે ખર્ચ ઓબઝર્વર, બે જનરલ ઓબઝર્વર અને એક પોલીસ ઓબઝર્વરનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પાંચ ઓબઝર્વર પાટણમાં નવા સર્કિટ હાઉસ ખાતે રોકાયા છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર તેઓ નજર રાખશે. જનરલ ઓબઝર્વરશ્રીઓ પબ્રિતા રામ ખૌંડ, ભાસ્કર કટામ્નેની, ખર્ચ ઓબઝર્વરશ્રીઓ સુસાંતા મિશ્રા, તેમજ સર્વેશ સીંઘ અને પોલીસ ઓબઝર્વરશ્રી જન્મેજ્યા પી. કૈલાશ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણમાં જ રહેશે તેથી નાગરિકોએ ચૂંટણીલક્ષી કોઈપણ જાતની ફરિયાદો કે સુચનો હોય તો તેઓ ઓબઝર્વરશ્રીઓનો રૂબરૂ, ફોન કે ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.