પાટણના ગુર્જરવાડામાં દોરી ગરબાની પુરાતન પરંપરા આજે પણ યથાવત
દેશી ઢોલ, મંજીરા અને લોકગીતના લય સાથેના દોરી ગરબા નિહાળવા લોકોની ભીડ ઉમટી
પાટણ, પાટણના ગુર્જરવાડામાં મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રખાઈ છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુર્જરવાડાનો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
નવરાત્રિના પાંચમા નોરતે ગુર્જરવાડાના ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે. દોરી ગરબો એ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે.
પાટણના ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકના તાલે નવરાત્રિની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક-તબલાં- મંજીરાના તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.
દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણીઆ પ્રાચીન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે. હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જયારે અડધા બહારની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે. દોરી ગરબો રમવો એ એક કળા છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાઈને એક ગૂંથણી તૈયાર થાય છે, જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે.