જે વ્યક્તિ ધો.૧૦ ફેલ છે, એ વ્યક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવે જ કેવી રીતે ?
પાટણમાં અનાથ બાળક દત્તક મામલે નિષ્કા હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઉઠ્યા -ધારાસભ્યએ સરકાર દ્વારા કમિટી બનાવી મૂળ સુધી પહોંચવા અપીલ કરી
પાટણ, પાટણમાં નકલી ડોકટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી ૧.ર૦ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. જે બાળકને આરોપી સુરેશ નિષ્કા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો, એજ બાળકને એકાદ મહિના બાદ નીરવ મોદી લઈને આવ્યા હોવાનો નિષ્કા હોસ્પિટલના ડોકટરે ખુલાસો કર્યો છે, જેમાં તેણે આરોપી સુરેશ સાથે કોઈ કનેકશન ન હોવાનું કહી રહ્યા છે.
બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ ફરિયાદ ખોટી હોવાનું જણાવી ગલ્લાં તલ્લાં કર્યાં છે. જયારે આ સમગ્ર મામલે પાટણના ધારાસભ્યએ સરકાર દ્વારા કમિટી બનાવી સત્યતાના મૂળ સુધી પહોંચવા અપીલ કરી હતી.
અનાથ બાળક દત્તક આપવા મામલે નિષ્કા હોસ્પિટલના ડોકટર દિવ્યેશ શાહે જણાવ્યું હતું કે, આ બાળક ૧૮ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કર્યું હતું. સુરેશ ઠાકોર બાળકને લઈને આવ્યો હતો
અને કહ્યું હતું કે, ક્રિટીકલ હાલત હોવાથી રાધનપુરમાં અને પાટણમાં આ બાળકને કોઈ દાખલ રાખતું નથી. એટલે અહીં એડમિટ કરીને ફેફસા વિકસાવાનું ઈન્જેકશન આપીને લગભગ રપ દિવસ સારવાર કરીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને બાદમાં બાળક સુરેશને પરત આપવામાં આવ્યું હતું. મેડિકલ લાઈનનો હોવાથી હું સુરેશને નામથી ઓળખું છું, બાકી મારે એની સાથે કોઈ કનેકશન નથી.
આ ઘટના અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પાટણમાં બાળ તસ્કરીનો જે ગુનો બન્યો છે એ ગંભીર ગુનો છે. જે વ્યક્તિ ધો.૧૦ ફેલ છે, એ વ્યક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવે જ કેવી રીતે ? સરકાર એક તરફ આરોગ્યને લઈને મોટી મોટી વાતો કરે છે તો શું પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અગાઉ પણ આ નકલી ડોકટરના વિરોધમાં બેથી ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે.
સરકાર વિધાનસભામાં આવા દૂષણો ડામવાની વાત કરે છે અને આવા ચમરબંધીને ન છોડવાની વાતો કરે છે. તો કયા ચમરબંધીને એમણે પકડ્યા? આ ઘટનામાં એક નહીં ૧૦થી વધુ બાળકોની તસ્કરી થઈ હોવાની અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? ફરિયાદી નીરવ મોદી હાલ ક્યાં છે? એની પણ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત આ ઘટનામાં સરકારી અધિકારીએ ફરિયાદી બનીને આ બાબતની તપાસ થવી જોઈએ.