પાટડીમાં લવ જેહાદ મુદ્દે બજારો બંધ રાખી રેલી કાઢી
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના પાટડી ગામે લવજેહાદના મુદ્દે વેપારીઓએ બજાર બંધ રાખીને મૌન રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં રહેતી હિન્દુ સમાજની છોકરી પાટડીમાં આવેલ ખાનગી શોરૂમમાં નોકરી કરતી હતી ત્યાં જ વિરમગામ (અલીગઢ) રહેતો મુસ્લિમ સમાજનો છોકરો પણ નોકરી કરતો હતો. શોરૂમના માલિકે એસ પી સુરેન્દ્રનગર રજુઆત કરતા જણાવ્યા મુજબ આ યુવકને છ મહિના પહેલા આ શોરૂમમાંથી કોઈ ચોરી બાબતે છુટો કરી દેવામાં આવ્યો હતો
ત્યારબાદ પાંચેક દિવસ પહેલા આ યુવતી કડી ગામે ગઈ હતી અને ત્યાંથી આ મુસ્લિમ યુવક તેને ભગાડી ગયો હતો જેની જાણ થતા યુવતીના પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે પરંતુ હજુ સુધી આ યુવતીનો કોઈ પત્તો ન મળતા લવ જેહાદના વધી રહેલા કેસોને મુદ્દે આજે પાટડીમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું
જેના પગલે દૂધ, શાકભાજી, દવાખાના, દવાની દુકાનો સહિત તમામ ધંધા રોજગાર કરતા વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખી સહકાર આપ્યો હતો. પાટડીની બજારો જડબેસલાક બંધ રહેવા પામી હતી
અને સાંજે હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી કાઢી પાટડી મામલતદારને આવેદનપત્ર આપી હિન્દુ સમાજની દીકરીને ઝડપથી શોધી તેના પરિવારને ન્યાય અપાવવાની ઉગ્ર માગણી કરી હતી.