બુટલેગરો બેફામઃ દારૂ ભરેલી કારનો પીછો કરતાં અકસ્માત: PSIનું મોત
પાટડી રોડ પર આવેલા કઠાડા ગામ પાસેનો બનાવ-દારૂ ભરેલી કારનો પીછો કરતી SMC ટીમને અકસ્માત નડયો: PSIનું મોત, એક ઘાયલ
(એજન્સી)અમદાવાદ, બુટલેગર બેફામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે સાબિત કરતો કિસ્સો મોડી રાતે પાટડી રોડ પર આવેલા કઠાડા ગામ પાસે બન્યો છે. બુટલેગરની ગાડીનો પીછો કરતી સ્ટેટ મોનિટરીંગ સેલની કારને અકસ્માત નડયો હતો જેમાં પીએસઆઈનું મોત થયું છે જ્યારે કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો છે.
પીએસઆઈનું મોત થતાંની સાથે જ પોલીસ વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે બુટલેગર ફરાર થઈ ગયો છે. નવા વર્ષના શરૂઆતમાં પીએસઆઈનું મોત થતાં એસએમસીમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
4 નવેમ્બર SMCના PSI જે.એમ પઠાણ અને હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ અને મુકેશ જેસંગભાઈ તથા પંચો સાથે મળીને ત્રણ અલગ અલગ વાહનોમાં પેટ્રોલિંગ હતા. દરમિયાન PSI જે.એમ પઠાણને બાતમીને મળી હતી કે, રાજસ્થાનના સાંચોર ખાતેથી ફોર વ્હીલર ગાડી દારૂ ભરીને પાટણ જિલ્લાના શંખેશ્વર તરફથી સુરેન્દ્રનગરના દસાડાથી પાટડી તરફ જવાની છે. જેથી PSI પઠાણ, બે હેડ કોન્સ્ટેબલ અને પંચો ખાનગી વાહનમાં રાતના 10 વાગે દસાડા ગામે જય ગોપાલ હોટેલ ખાતે આવ્યા હતા.
હોટલ ખાતે પહોંચ્યા બાદ PSI જે.એમ પઠાણે 3 અલગ અલગ ટીમ બનાવી હતી. પ્રથમ ટીમમાં જી.એમ પઠાણ, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજા, પંચ મીનહાજ મન્સૂરી, કુલદીપસિંહ ગોહિલ અને તાહિરખાન પઠાણ હતા. બીજી ટીમમાં હેડ કોન્સ્ટેબલ દિનેશ બાબુરાવ, મુજમિલ કુરેશી, એઝાઝ મલેક અને ત્રીજી ટીમમાં હેડ કોન્સ્ટેબલ મુકેશ જેસંગભાઈ, મોબીન મન્સૂરી અને હુસેન પઠાણ હતા.
એસએમસીનું નામ સાંભળતાની સાથે જ બુટલેગરને પરસેવો છૂટી જાય છે. એસએમસીની પ્રામાણિક કામગીરી સામે મોટાભાગના બુટલેગરે પોતાનો ધંધો બંધ કરી દીધો છે પરંતુ કેટલાક બુટલેગર એવા છે જે પોતાના ડેરિંગ પર ધંધો કરી રહ્યા છે. રાજ્યમાંથી એસએમસીની ટીમ અનેક વખત દારૂનો જથ્થો જપ્ત કરે છે. એસએમસીના રિસકી ઓપરેશન દરમિયાન તેમના જીવને જોખમ પણ હોય છે જ્યારે હાઈવે પર એસએમસી બુટલેગરની કારનો પીછો કરે ત્યારે રીતસરની રેસ લાગી હોય તેવા દૃશ્યો સર્જાય છે.
કાલે મોડી રાતે દારૂ ભરેલી કારનો પીછો કરી રહેલી એસએમસીની કારને અકસ્માત નડયો છે. જેમાં પીએસઆઈનુ કરૂણ મોત થયું છે. એસએમસી ટીમના પીએસઆઈ જે.એમ.પઠાણ અને તેમની ટીમ દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતી. તે વખતે બાતમી મળી હતી કે એક ક્રેટા કારમાં દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો છે. એસએમસીની ટીમ કઠાડા ગામથી આગળ વળાંક ઉપર રસ્તો બ્લોક કરીને ઊભી હતી તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર આવી હતી.
ક્રેટા કારની બાજુમાં એક ટેલર પણ હતું. એસએમસીએ ક્રેટા અને ટેલરને રોકવા જતાં તે રોકાયા નહીં. આ વખતે એસએમસીએ ફોર્ચ્યુનર કારમાં ક્રેટાનો પીછો કર્યો હતો. ટેલરના પાછળના ભાગે એસએમસી ટીમની ફોર્ચ્યુનર આવતી હતી. દરમિયાનમાં એકાએક ફોર્ચ્યુનર ટેલરના પાછળના ભાગે અથડાઈ ગઈ હતી.
કાર અથડાતાની સાથે જ એસએમસીનો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ, જ્યારે જે.એમ.પઠાણને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ક્રેટા કારને રોકવા જતાં ટેલર વચ્ચે આવી ગયું હતું. જેના લીધે અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારનો ચાલક પૂરઝડપે નીકળી ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત પીએસઆઈ પઠાણને સારવાર માટે વિરમગામ સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર દરમિયાન પીએસઆઈનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં એસએમસીના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસએમસીએ આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.