રૂ. ૧૦ લાખની સામે રૂ. ૧૭.૫૦ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

રાજકોટ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ હરિહર નગર-૩માં સન પ્લાઝામાં રહેતા અને ગારમેન્ટનો ધંધો કરતાં શ્યામ દિનેશભાઈ ભૂત (ઉ.વ.૩૩)એ આરોપી રાજેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા વિરૂધ્ધ વ્યાજખોરીની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.ફરિયાદમાં શ્યામભાઈએ જણાવ્યું છે કે તે પોતાના ઘરેથી કપડાનો વેપાર કરે છે. મૂળ ધોરાજીનો વતની છે. ૨૦૧૧માં ધોરાજીથી રાજકોટ આવી ક્રિસ્ટલ મોલમાં ભાડાનો શો રૂમ રાખી ગારમેન્ટનો ધંધો શરૂ કર્યાે હતો.
ધંધો વધતા કુલ ૮ શો-રૂમ શરૂ કર્યા હતાં. ૨૦૨૦માં કોરોનામાં ધંધો ઠપ્પ થઇ જતાં શો-રૂમના ભાડા અને કર્મચારીઓના પગાર આપવા પૈસાની જરૂર પડતાં મિત્ર હાર્દિક ચાવડા મારફત આરોપીનો સંપર્ક થયો હતો.
જેથી આરોપીની હનુમાન મઢી ખાતે આવેલી દુકાનેથી પાંચેક વર્ષ પહેલા રૂ. ૨.૫૦ લાખ ૩ ટકા વ્યાજે લીધા હતા. જે પૈસા સમયસર ચૂકવી દીધા બાદ ફરીથી રૂ. ૫ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં એડવાન્સ વ્યાજ પેટે ૧ લાખ કાપી બાકીના રૂ. ૪ લાખ આરોપીએ આપ્યા હતા. જેનું વ્યાજ અને મુદ્દલ પણ સમયસર ચૂકવી દીધું હતું.
ત્યાર પછી વધુ પૈસાની જરૂરિયાત પડતાં આરોપી પાસેથી રૂ. ૧૦ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતાં. જેનું એડવાન્સ વ્યાજ રૂ. ૨ લાખ કાપીને આરોપીએ રૂ. ૮ લાખ આપ્યા હતાં. નક્કી થયા મુજબ દરરોજ રૂ. ૧૦ હજારનો હપ્તો આરોપીને ચૂકવવાનો હતો. ૨૫ દિવસ સુધી રૂ. ૨.૫૦ લાખ ચૂકવ્યા બાદ વધુ પૈસા નહીં ચૂકવી શકતા આરોપીએ પેનલ્ટી પેટે રૂ. ૧૦ હજારના હપ્તા સામે રૂ. ૧૦ હજાર વસૂલવાનું શરૂ કર્યું હતું.
આ રીતે તેણે જે રૂ. ૧૦ લાખ લીધા હતા તેની સામે આરોપીને કુલ રૂ. ૧૭.૫૦ લાખ ચૂકવ્યા હતાં. જે તે વખતે આરોપીને પોતાની પેઢીના ચેક આપી સહી કરેલા સ્ટેમ્પ પણ આપ્યા હતાં.
આટલી રકમ ચૂકવી દીધા છતાં આરોપી તેની પાસે ઉઘરાણી કરતાં ૨૦૨૨માં પોલીસ કમિશનરને આરોપી અને અન્ય લોકો વિરૂધ્ધ અરજી કરી હતી. તે વખતે બધા સાથે સમાધાન થઇ જતાં નક્કી થયા મુજબ આરોપીને રૂ. ૩ લાખ આપ્યા હતાં.જેના થોડા સમય પછી આરોપીએ ફરીથી ઉઘરાણી શરૂ કરી હતી. તે વખતે પોલીસ કમિશનરે વ્યાજખોરો વિરૂધ્ધ ફરીથી લોક દરબાર શરૂ કર્યા હતાં.
જેથી તેણે આરોપી અને અન્ય પાંચ માણસો વિરૂધ્ધ ૨૦૨૪માં અરજી કરી હતી. જેમાં આરોપી સિવાયનાં બાકીના પાંચ માણસો વિરૂધ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ૨૦૨૨માં તે ધંધા માટે મુંબઇ જતો રહ્યો હતો.
જે અરસામાં આરોપીએ તેના નામનાં રૂ. ૨.૫૦ લાખના બે ચેક બેન્કમાં નાખ્યા હતાં. જે બાઉન્સ થતાં ૨૦૨૩માં તે રાજકોટ આવ્યો હતો. તે વખતે આરોપીએ તેને નેગોશિયેબલના કેસ પાછા ખેંચી લેવાનું અને પોતાના વિરૂધ્ધ કાર્યવાહી નહીં કરવાનું કહ્યું હતું.
ગઇ તા. ૨૧-૧૨-૨૦૨૪ના રોજ તે રાજકોટની કોર્ટમાં મુદતે ગયો હતો ત્યારે આરોપી મળ્યો હતો અને કહ્યું કે તું જો પૈસા નહીં દે તો હું ઉઘરાણી કરીશ અને તારા જે ચેક અને સ્ટેમ્પ મારી પાસે છે તે પણ વટાવીશ, જો તું પૈસા નહીં આપ તો ત્યાં સુધી તેનું વ્યાજ પણ ચાલુ રહેશે, સારાવટ પણ નહીં રહે. એટલું કહી ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.SS1MS