Western Times News

Gujarati News

ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ -: આરોગ્ય મંત્રી

અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પેથેકોનબીજે – ૨૦૨૫માં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

-: શ્રી ઋષિકેશભાઇ પટેલ :-

  • પેથોલોજીક્સ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહી છે જેના જ કારણે દરેક દર્દીઓના રિપોર્ટમાં એક્યુરેસી આવી રહી છે
  • આજે રાજ્યમાં ૪૦ મેડિકલ કોલેજ છે આગામી સમયમાં વધુ ૧૦ મેડિકલ કોલેજ રાજ્યને મળશે
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર /અર્બન પી.એચ.સી.માં અગાઉ ૧૭ ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે ૬૩ જેટલા ટેસ્ટ થાય છે
  • સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અગાઉ ૩૩ ટેસ્ટ થતા હતા જ્યાં હવે ૧૧૧ ટેસ્ટ થાય છે
  • ડોક્ટર્સને આજે ભગવાનનું બીજું સ્વરૂપ, દરેક દર્દી આજે ડોક્ટર્સને ભગવાન માને છે

અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘પેથેકોનબીજે – ૨૦૨૫’માં સૌને સંબોધતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સના આધારે તમામ ડોક્ટર્સ દર્દીનું આગળનું નિદાન કરતા હોય છે, ત્યારે રેડિયોલોજી અને પેથોલોજીક્સનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. આજે તમામ પેથોલોજીક્સ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહી છે જેના જ કારણે દરેક દર્દીઓના રિપોર્ટમાં એક્યુરેસી આવી રહી છે જે ખૂબ ગૌરવની વાત છે.

મેડિકલ ક્ષેત્રમાં અપડેટ થઈ રહેલી ટેકનોલોજી અંગે વાત કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે મેડિકલ ક્ષેત્રમાં અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનોલોજીના કારણે દરેક નિદાન ઝડપથી થઈ રહ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી અનેક મેડિકલ ક્ષેત્રમાં અનેક રિસર્ચ થઈ રહ્યા છે, જે મેડિકલ ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ગુણવત્તાસભર જરૂરી તપાસ સેવાઓ પૂરી પાડવા અને તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં હાલની લેબોરેટરીઓ અને અન્ય તપાસ સુવિધાઓને મજબૂત કરવા દર્દીને મફત જરૂરી તપાસ સેવાઓ ઉપયોગ કરવામાં આવી રહી છે. સબ સેન્ટર /અર્બન એચ.ડબલ્યુ.સી.માં અગાઉ ૭ જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે ૧૨ ટેસ્ટ કરવામાં આવે છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર /અર્બન પી.એચ.સી.માં અગાઉ ૧૭ ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે ૬૩ જેટલા ટેસ્ટ થાય છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર/યુ.સી.એચ.સી.ની વાત કરીએ તો તેમાં અગાઉ ૩૩ ટેસ્ટ થતા હતા હવે ૯૭ જેટલા ટેસ્ટ કરવામાં આવે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અગાઉ ૩૩ ટેસ્ટ થતા હતા જ્યાં હવે ૧૧૧ ટેસ્ટ થાય છે. એવી જ રીતે ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૬૮ ટેસ્ટના બદલે હવે ૧૩૪ ટેસ્ટ થાય છે. આ ઉપરાંતમેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ ૭૧ના બદલે ૧૩૪ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

રાજ્યમાં મેડિકલ કોલેજ અને મેડિકલ સીટ અંગેની વાત કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે રાજ્યમાં ૪૦ મેડિકલ કોલેજ છે આગામી સમયમાં વધુ ૧૦ મેડિકલ કોલેજ રાજ્યને મળવાની છે. આ સાથે આવનારા સમયમાં યુજીમાં ૧૫૦૦ સીટ જ્યારે પીજીની સીટમાં પણ ૧૦૦૦ સીટનો વધારો થશે, એમ તેમણે  વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સૌની ચિંતા કરીને દુનિયાની સૌથી મોટી આરોગ્ય સેવા ઊભી કરી છે. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર મળી રહી છે, જ્યારે ગુજરાતમાં આ સારવાર રૂ. ૧૦ લાખ સુધીની ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ ડોક્ટર્સને સંબોધતા આરોગ્ય મંત્રીશ્રી એ કહ્યું કે, ડોક્ટર્સને આજે ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. દરેક દર્દી આજે ડોક્ટર્સને ભગવાન માને છે, ત્યારે દરેક ડોક્ટર છે ટેકનોલોજી નો મહત્વ પૂર્ણ ઉપયોગ કરીને દરેક દર્દીનું સાચું નિદાન કરવું જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત દેશનું ટેલેન્ટ દેશમાં જ રહે એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થયું. એટલુ જ નહી આજે અનેક નવી તકોનું નિર્માણ રાજ્ય અને દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સૌ કોઈએ અવશ્ય આ તકનો લાભ લેવો જોઈએ એમ આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી,  આરોગ્ય કમિશનર શ્રી હર્ષદકુમાર પટેલ, બીજે મેડિકલ કોલેજના ડીન અને ચેરપર્સન ડોક્ટર હંસા ગોસ્વામી, બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ તેમજ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.