પાટીદાર અનામત આંદોલન સમયના વધુ ૧૬૭ કેસ પરત ખેંચવામાં આવ્યા

(એજન્સી)ગાંધીનગર, પાટીદાર અનામત આંદોલન સમયના વધુ ૧૬૭ કેસ પરત ખેંચવામાં આવ્યાં છે. પાલનપુરના ગઢ પંથકમાં અનામત આંદોલન સમયે થયેલા ૧૬૭ વ્યક્તિઓ સામેના કેસ પરત ખેંચવામાં આવ્યાં છે. નોંધનિય છે કે સોમવારે ૧૦ માર્ચે લોક અદાલતમાં ચુકાદાની નકલ આપવામાં આવશે, કેસ પરત ખેંચાતા બનાસકાંઠા પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આંદોલન સમયે ગઢ પંથકમાં બે યુવકોના મૃત્યુ થયા હતા. પાટીદાર પ્રતિનિધિમંડળે અનેક વખત રાજ્ય સરકારમાં કેસ પરસ ખેંચવા માટે રજૂઆત કરી હતી. પાટીદારોએ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી હતી અને આખરે રાજ્ય સરકારે પાટીદારોની આ માંગણીનો સ્વીકાર કરતા પાટીદાર સામેના ૧૬૭ કેસ પરત ખેંચ્યા છે.
નોંધનિય છે કે, વર્ષ ૨૦૧૫માં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં અનામત આંદોલન ઉગ્ર બન્યું હતું આ સમયે સરકારી સંપત્તિને નુકસાન કરવાથી લઇને અનેક મુદ્દે પાટીદાર આંદોલનકારી સામે પણ કેસ નોંધાયા છે. આ મામલે હજુ પણ અનેક આંદોલનકારી સામે કેસ ચાલી રહ્યાં છે. ત્યારે પાટીદારો સામેના હજુ બાકી કેસ પરત ખેંચવા પણ માંગ ઉઠી છે. પાટીદાર યુવાનો અને મહિલાઓ સામેના કેસ પરત ખેંચવા માગણી કરવામાં આવી છે.
આજે પાટીદાર અનામત આંદોલન સમયના વધુ ૧૬૭ કેસ પરત ખેંચવામાં આવતા આ નિર્ણયને નિર્ણયને પાટીદાર સમાજે આવકાર્યો છે. પાટીદાર સમાજમાં સરકારના આ નિર્ણયને લઇને ખુશીનો માહોલ છે. નોંધનિય છે કે, અગાઉ હાર્દિક પટેલ સામેનો કેસ પણ પરત ખેંચાયો છે.લાલજી પટેલે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે તેમજ આંદોલન સમયમાં અન્ય કેસ પણ પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં સર્વણોને અન્યાય થતો હોવાના મુદ્દા સાથે અનામત મામલે આંદોલન થયું હતું. ૨૦૧૫માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદારો આ મુદ્દે એકઠા થયા હતા અને પાટીદારોને અનામત મળે તે માટે માંગણી કરી હતી. આ આંદોલન લાંબા સમય સુધી રાજ્યવ્યાપી ચાલ્યું હતું. આ સમયે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતના નેતા અને સમાજના આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા.