Western Times News

Gujarati News

અમેરિકાના વિઝા આપવાનું કહીને પાટીદાર યુવકને છેતર્યો

મહેસાણા, ડિંગુચાનો પરિવાર અમેરિકા અને કેનેડાની સરહદ પર બરફમાં ફસાયા બાદ મોતને ભેટ્યો હતો. આ પછી અમેરિકા અને કેનેડા સહિત ભારતની એજન્સીઓ ગુજરાતમાંથી થઈ રહેલી કબૂતરબાજીને રોકવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આમ છતાં લોકોની વિદેશમાં જઈને અને ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં સ્થાઈ થવાની ઘેલછાનો એજન્ટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

યુવાનોને અમેરિકા-કેનેડામાં જઈને વસવાની લાલચ આપીને છેતરપિંડી કરતા વધુ એક એજન્ટનું કારનામું સામે આવ્યું છે. ગાંધીનગરના યુવક સાથે અમેરિકાના વિઝા આપવાના નામે છેતરપિંડી કરનારા સોખડા અને પાટણના એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે.

વિદેશમાં સ્થાયી થઈ વૈભવી લાઈફ સ્ટાઇલ આજે ઘણાં યુવાનોનું સપનું બની રહ્યું છે. પરંતુ કેટલીક વખત આ સપનું પૂરું કરવા જતાં તેમણે ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. આવું જ કંઈક ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ખાતે રહેતા ૩૬ વર્ષીય પ્રણવ ઘનશ્યામભાઈ પટેલ સાથે થયું છે.

પ્રણવ પટેલ અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જાેતા હતા અને આ માટે તેમણે વડોદરા જિલ્લાના સોખડા ખાતે રહેતા એજન્ટ ભાવેશ વાળંદનો સંપર્ક કર્યો હતો. ભાવેશે પ્રણવ પટેલને પોતાની મહેસાણામાં ઓફિસ હોવાનું જણાવી મહેસાણા બોલાવ્યા અને વિઝા મળી જવાનો વિશ્વાસ આપ્યો હતો.

વિઝા મળી જવાના સપના જાેતા પ્રણવ પટેલે મહેસાણા માલ ગોડાઉન ખાતે આવેલા સરદાર પટેલ વેપાર સંકુલમાં ચાલતી આરએમ એન્ટરપ્રાઇઝ પેઢી ખાતે લાખો રૂપિયાની ભાવેશ વાળંદને ચૂકવ્યા હતા. આ સમયે પેઢી ઉપર પ્રશાંત સોની રહે પાટણ અને અન્ય એક અજાણ્યા માણસે ટૂંક સમયમાં વિઝા મળી જવાનો ભરોસો આપ્યો હતો.

૫૫ લાખ રૂપિયા આપ્યા પછી લાંબા સમય સુધી ના વિઝા મળ્યા કે ના પૈસા પરત કરવામાં આવ્યા. છેવટે ઠગાયેલા પ્રણવ પટેલે આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે. મહેસાણામાં વિઝા મેળવવા જતા છેતરાવાના અનેક કિસ્સા અત્યાર સુધી પ્રકાશમાં આવી ચુક્યા છે.

જાેકે આ ઘટનામાં ઠગાયેલ પ્રણવ પટેલ અને તેમને ઠગનાર કબૂતરબાજ બંને મહેસાણાના રહેવાસી નથી. આ ઘટનામાં માત્ર મહેસાણાની પેઢી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાેકે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે સોખડાના ભાવેશ વાળંદ, પાટણના પ્રશાંત સોની અને એક અજાણ્યા શખ્સ સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે. પરંતુ હજુ સુધી ત્રણેય કબૂતરબાજ પોલીસ પકડથી દૂર છે.

બીજી તરફ બોગસ એજન્ટ ઉપર ભરોસો કરવાના કારણે ઉવારસદના પ્રણવ પટેલને રૂપિયા ૫૫ લાખ ખોવા પડ્યા છે. મહેસાણાના ડીવાયએસપી આરઆઈ દેસાઈએ જણાવ્યું છે કે, માલ ગોડાઉનની એક દુકાનમાં ડુપ્લિકેટ બોર્ડ મારીને પેઢી ઉભી કરવામાં આવી હતી.

જ્યારે યુવક પાસેથી ૫૫ લાખ રૂપિયા જમા લીધા હતા. આ ૫૫ લાખ લીધાના બે દિવસ પછી દુકાન અને પેઢી બંધ થઈ ગઈ હતી. અને રૂપિયા લીધા પછી ભાવેશ વાળંદનો ફોન પણ બંધ થઈ ગયો હતો. ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

થોડા સમય પૂર્વે મહેસાણા તાલુકાના લિંચ ગામના યુવાનને વિઝા લેવાના ચક્કરમાં લાખો ગુમાવવા પડ્યા હતા. હજુ આ કેસમાં આરોપી પકડાયા નથી ત્યાં હવે કબૂતરબાજીનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે પોલીસ તપાસ શરુ કરાઈ છે જેથી કરીને આરોપીઓ અન્ય કોઈ યુવકને વિદેશ મોકલવાની લાલચ આપીને છેતરપિંડી ના કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.