પાટીદાર મહિલા બોગસ પાસપોર્ટ સાથે એરપોર્ટ પર ઝડપાઈ
અમદાવાદ, ગુજરાતીઓની વિદેશમાં જવાની ઘેલછા કેટલી છે તે હાલમાં કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા પકાયેલા ૭ વિદ્યાર્થીઓ સહિત અનેક અન્ય IELTS એક્ઝામમાં થતા ગોટાળા પરથી સાબિત થઈ રહ્યું છે. આમ છતાં કેટલાક લોકો કોઈ પણ ડર વગર વિદેશ જવા માટે ગોટાળા કરવામાં જરાય ખચતા નથી.
વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક પાટીદાર મહિલા બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જવાની ફિરાકમાં હતી અને ઈમિગ્રેશન ઓફિસરને શંકા જતા મહિલાનો ભાંડો ફૂટી ગયો છે.
પાટીદાર મહિલા જે બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ જવાની ફિરાકમાં હતી તે તેની પાસે ક્યાંથી આવ્યો તે અંગેની વધુ તપાસ શરુ કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ બોગસ દસ્તાવેજના આધારે વિદેશ જવાની કોશિશ કરતી મહિલાને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટથી પકડી લેવામાં આવી છે.
આ મહિલા મહેસાણાની છે પરંતુ તેના પાસપોર્ટમાં એડ્રસ મુંબઈનું હતું જેથી શંકા જતા તેની પાસેથી પુરાવા માગવામાં આવ્યા અને તપાસ કરતા તે બોગસ પાસપોર્ટ પર વિદશ જવાની ફિરાકમાં હતી તેનો ભાંડો ફૂટી ગયો છે. હવે આ મહિલા જે બોગસ પાસપોર્ટ પર જઈ રહી હતી તે ખરેખર કોનો છે? પાસપોર્ટ બનાવનાર એજન્ટ કોણ છે? આ બોગસ પાસપોર્ટ પર મહિલાને ખરેખર ક્યાં મોકલવામાં આવી રહી હતી? તે સહિતની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસની વિગતો એવી છે કે છેલ્લા પાંચ વર્ષથી ઈમિગ્રેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા મોટેરાના યકીસ્વરુપ કટારીયાને SVPIA પર મંગળવારે સિંગાપોર એરલાઈન્સ ફ્લાઈટ માટે પેસેન્જરનું ઈમિગ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે એક રૂહી મુસરફ રાજપકર નામે પાસપોર્ટ ધરાવતી મહિલાને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.
પાસપોર્ટમાં મુંબઈનું એડ્રસ આપનારી મહિલાને ચેકિંગ ઈમિગ્રેશન દરમિયાન રોકીને તેના પાસપોર્ટ પ્રમાણે તપાસ કરતા વિગતો મળી નહોતી. આ પછી રૂહી મુસરફ રાજપકર પાસે આધારકાર્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં મહિલાનું નામ ભારતીબેન જયેશભાઈ પટેલ હતું અને સરનામું મહેસાણાના સાંથલ ગામનું હતું.
આ પછી શરુ થયેલા પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે મહિલાએ અન્ય વ્યક્તિના પાસપોર્ટમાં પોતાનો ફોટો લગાવી દીધો હતો. બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં ભારતી પટેલની એરપોર્ટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હવે આ મહિલાનો સિંગાપોર જઈને પછી શું પ્લાન હતો? શું ત્યાંથી ભારતી અમેરિકા કે કેનેડામાં ખોટી રીતે ઘૂસવાના ફિરાકમાં હતી? આ બોગસ પાસપોર્ટ કોણે તૈયાર કરી આપ્યો? બોગસ પાસપોર્ટમાં જે વ્યક્તિનું નામ છે તે કોણ છે? આ સહિતના સવાલોની તપાસ ભારતી પટેલની પૂછપરછ દરમિયાન કરવામાં આવશે.SS1MS