કોટ વિસ્તાર સહિતના ગીચ મધ્ય ઝોનમાં વધુ છ જગ્યાએ પે એન્ડ પાર્ક
અમદાવાદ, શહેરમાં અત્યાચારના દિવાળીના તહેવારોના માહોલમાં લોકોને રોડ પરના દબાણોથી ભારે તકલીફ ઉઠાવવી પડી છે ગમે તે વિસ્તારમાં જાઓ, પરંતુ ટીપી રોડ દબાણોથી ઓછા-વધતા અંશે સાંકડા દબાણો દૂર કરીને રોડને ખુલ્લા કરવાની કામગીરી અવારનવાર હાથ ધરાય છે તેમ છતાં થોડાક સમય બાદ સ્થિતિ જૈસે થે થઈ જાય છે.
ખાસ તો કોટ વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણોના રાફડા હોઈ નાગરિકો તોબા પોકારી ઉઠયા છે. આવી હાલતમાં પોતાના વાહન કયાં પાર્ક કરવા તે બાત મોટી સમસ્યા બની છે. આમ પણ મહદઅંશે મધ્ય ઝોનમાં ગીચ વસ્તી છે તેમાં રોડ પરના દબાણથી સ્થાનિક લોકો ત્રાસી ઉઠયા હોઈ બહારથી ખરીદી કે નોકરી-ધંધા માટે આવનારાઓ અકળાઈ ઉઠે છે
તે સાવ સ્વાભાવિક છે. જાેકે સત્તાવાળાઓ મધ્યઝોનમાં પાર્કિંગની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે. ભદ્ર પ્લાઝા, જુનંુ રૂપાલી થિયેટર સહિતના સ્થળોએ વાહનચાલકોને પે એન્ડ પાર્કની સવલત પુરી પાડનાર મ્યુનિ. સત્તાવાળાઓએ વધુ જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.
શહેરીજનોના રોજબરોજના જીવનમાં કનડતી સમસ્યામાં પાર્કિંગની જગ્યાનો અભાવ આ બાબતનો પણ સમાવેશ થાય છે. અનેક વાર દબાણોથી સાંકડા થયેલા રોડ વાહનચાલકો દ્વારા આડેધડ પાર્ક કરાતા વાહનોના કારણે વધુ દબાણગ્રસ્ત થાય છે, જેના કારણે ઓફ સ્ટ્રીટ પાર્કીંગની સાથે ઓન સ્ટ્રીટ પાર્કિંગનો નવો અભિગમ તંત્રે અપનાવ્યો છે.
તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગની દિશામાં મ્યુનિ. સત્તાધીશોએ હિલચાલ આરંભી છે. ત્રણ રોડને ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે પસંદ કરીને ત્યાં કુલ પ૯૭ વાહનને ઓન સ્ટ્રીટ પાર્ક કરી શકાય તેવું આયોજન હાથ ધર્યું છે. જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પાર્કિંગ માટે નકકી કરાયેલા પ્લોટની જગ્યામાં એટલે કે ઓફ સ્ટ્રીટ પાર્કિંગનો લાભ નાગરિકોને આપવાની તંત્રે તજવીજ હાથ ધરી છે.
પાર્કિંગનો પ્રશ્ન એક પ્રકારે સળગતો પ્રશ્ન બન્યો હોઈ મ્યુનિ. સત્તાધીશોએ શહેરના લગભગ તમામ ઝોનમાં લોકોને પાર્કિંગ પુરું પાડવા માટે ગંભીરતાથી પ્રયાસો હાથ ધર્યા છે, જેના કારણે જે તે ઝોનમાં હયાત પાર્કિંગ ઉપરાંત વધારાનું પાર્કિંગ લોકોને ઉપલબ્ધ થઈ શકે.
મધ્યઝોનની વાત કરીએ તો આ ઝોનમાં મકરંદ દેસાઈ પે એન્ડ પાર્ક, કાલુપુર કબૂતરખાના, પ્રેમ દરવાજા પાસે, રતનપોળની સામે, રૂપાલી થિયેટર પાસે, પાનકોરનાકા, ભદ્ર પ્લાઝા, કાલુપુર ચોખા બજાર, શાહપુરની મહેશ્વરી મિલ કમ્પાઉન્ડ, આઈપી મિશન સ્કૂલ પાસે, સારંગપુર દરવાજા બહાર, જીપીઓ સામે અને જમાલપુર અંડરબ્રિજ નીચે પે એન્ડ પાર્ક બનાવાયા છે.
હવે મધ્ય ઝોનમાં વધુ પાંચ જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભા કરાશે, જેમાં ઓફ સ્ટ્રીટ અને ઓન સ્ટ્રીટ પાર્કિંગનો લાભ લોકોને મળશે. ખમાસા ચાર રસ્તાથી ખમાસા પોલીસ સ્ટેશન સુધીના રોડ પર પાર્કિંગ માટે તંત્ર દ્વારા રૂ.૮૦,૩૪૦ અપસેટ વેલ્યૂ અને રૂ.૧૦ હજાર અર્નેસ્ટ મની ડિપોઝીટ નકકી કરાઈ છે.
રાજસ્થાન હોસ્પિટલની બંને બાજુના પાર્કિંગ માટેની અપસેટ વેલ્યૂ રૂ.૩,૧પ,૬૬પ અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂ.રપ હજાર છે કામા હોટલથી ભવન્સ કોલેજ માટે રૂ.૧,૩ર,૦૧૦ અપસેટ વેલ્યૂ અને રૂા.રપ હજાર ડિપોઝિટની શરત છે. માણેકચોક પાર્કિંગ માટે પણ મ્યુનિ. સત્તાવાળાઓએ રૂ.૧,૩ર,૦૧૦ અપસેટ વેલ્યુ અને રૂ.રપ હજાર ડિપોઝિટ ઓફરદાર પાસેથી લેશે.
ત્રણ દરવાજાથી માણેકચોક ફુવારા વચ્ચે રૂા.૧,૧૪,૮૦૦ અપસેટ વેલ્યૂ અને રૂ.રપ હજાર ડિપોઝીટ તો રાણી રૂપમતીની મસ્જિદ પાસે રૂ.૧૦ હજારની ડિપોઝીટ નકકી કરાઈ છે.