Western Times News

Gujarati News

રાત સુધીમાં “વિજળીનું બિલ ભરી દો”ના મેસેજથી નાગરિકો પરેશાન

અમદાવાદ, છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદમાં કેટલાક લોકોને રાત્રે ૯.૩૦ વાગ્યા સુધીમાં બિલ ના ભરાયું તો વીજળીનું કનેક્શન કપાઈ જશે તેવા વોટ્‌સએપ મેસેજ આવી રહ્યા છે.

આ મેસેજના અંતે એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે, જે નંબર ઈલેક્ટ્રિસિટી કંપનીના અધિકારીનો હોવાનો આ મેસેજમાં દાવો કરાયો છે.

નવાઈની વાત એ છે કે, ગયા અઠવાડિયામાં જ ઘણા અમદાવાદીઓના ઈલેક્ટ્રિસિટી બિલ જનરેટ થયા છે, જેના કંપની તરફથી મેસેજ પણ આવ્યા છે. પાછલા બે-ચાર દિવસમાં લોકોને વોટ્‌સએપ પર જે મેસેજ મળ્યા છે તેમાં એવું લખવામાં આવ્યું છે કે તમારું ગયા મહિનાનું બિલ બાકી છે,

અને તેને રાત્રે ૯.૩૦ સુધીમાં ભરી દેવા કહેવાયું છે. અને આમ ના થયું તો વીજળી કનેક્શન કપાઈ જશે તેમ પણ જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લોકોને અલગ-અલગ નંબર પરથી આ મેસેજ આવી રહ્યા છે, અને મેસેજમાં દર્શાવાયેલા ફોન નંબર પણ અલગ છે.
અમદાવાદમાં વીજળી પૂરી પાડતી ઈલેક્ટ્રિસિટી કંપની ટોરેન્ટ દ્વારા પોતાના ગ્રાહકોને આ જ મહિનામાં એક મેસેજ મોકલવામાં આવ્યો હતો.

જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કંપની તરફથી ‘સાંજ સુધી બિલ ના ભરાયું તો કનેક્શન કપાઈ જશે’ તેવા મેસેજ ક્યારેય પણ મોકલવામાં નથી આવતા.

મેસેજમાં કંપનીએ ખુદ જણાવ્યું છે કે, ગ્રાહકો આવા મેસેજથી સાવધાન રહે, તેમજ મેસેજમાં જણાવ્યા અનુસાર, બિલ ભરવાના નામે કોઈ પેમેન્ટ ના કરે. આ મેસેજમાં એમ પણ જણાવાયું છે કે, ટોરેન્ટ પાવર દ્વારા ગ્રાહકની બેંક અકાઉન્ટ ડિટેઈલ્સ કે પછી ઓટીપીની કોઈ માહિતી નથી

માગવામાં આવતી તેમજ તમે ઓનલાઈન બિલ ભરી રહ્યા હો ત્યારે તમારા ફોન કે લેપટોપની સ્ક્રીન શેર કરવા માટે પણ નથી કહેવાતું.

ઉલ્લેખનીય છે કે, ડિજિટલ વોલેટના કેવાયસી ઉપરાંત ક્યારેક ફેક કસ્ટમર કેર નંબર દ્વારા પણ લોકોને ચૂનો લગાવવામાં આવતો હોય છે. તેવામાં હવે ઈલેક્ટ્રિસિટી બિલના નામે ડિજિટલ પેમેન્ટ કરતા લોકોને ઠગવા માટેની આ નવી રીત સામે આવી છે.

જાણકારોનું માનીએ તો, કેવાયસી ફ્રોડની જેમ જ આ મેસેજમાં જે નંબર આપવામાં આવ્યો છે તેના પર ફોન કરવા પર તમારો ડેબિટ કાર્ડ નંબર તેમજ પીન કે પછી ડિજિટલ વોલેટના આઈડી, પાસવર્ડ જેવી વિગતો માગવામાં આવી શકે છે.

એટલું જ નહીં, તમે બિલ ભરી રહ્યા છો તેની ખાતરી કરવી પડશે તેવી વાતો કરીને ગઠિયા તમારા ફોન કે લેપટોપમાં તેનો કંટ્રોલ લઈ શકે તેવી એપ પણ ઈન્સ્ટોલ કરાવી શકે છે,

જેનાથી તમારા બેંક અકાઉન્ટ તેમજ ડિજિટલ વોલેટની તમામ વિગતો ગઠિયા સુધી સેકન્ડોમાં પહોંચી શકે છે, અને તમારું બેંક અકાઉન્ટ સાફ થઈ જઈ શકે છે.

ગુજરાત પોલીસે પણ આ મામલે ગઈકાલે એક ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે, કોઈપણ વીજ કંપની દ્વારા ગ્રાહકોને ૧૦ અંકના મોબાઈલ નંબર પરથી વીજ બિલની ચૂકવણી માટેના મેસેજ નથી મોકલાતા. આવા મેસેજ પાછળ સાયબર ક્રિમિનલ્સનું ભેજું હોવાનું જણાવી ગુજરાત પોલીસે એવું પણ કહ્યું છે કે,

ગુનેગારો આ પ્રકારના મેસેજથી ઓટીપી માગીને તમારી સાથે છેતરપીંડી કરી શકે છે. તેમાં આવા મેસેજમાં દર્શાવાયેલા નંબર પર કોઈ ફોન કે મેસેજ ના કરવાની પણ સલાહ આપવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.