પાયલ હોસ્પિટલના ૩ આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

હોસ્પિટલના વીડિયો વાયરલ કેસમાં કોર્ટે
(એજન્સી)રાજકોટ, પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડમાં સાયબર ક્રાઇમની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા ૩ આરોપીઓ માત્ર ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ જ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું નેટવર્ક ચલાવતા હતા, જ્યાં તેઓ મહિલાઓના નગ્ન વીડિયોનું ખરીદ-વેચાણ કરતા હતા.
મળતી માહિતી અનુસાર, પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ મામલે આરોપીઓની ધરપકડ ૧૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી અને આજે ૨૧ ફેબ્રુઆરીના રોજ તેને કોર્ટ દ્વારા આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જોકે પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેથી પોલીસને તેમની પૂછપરછ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં મદદ મળી શકે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પાસેથી ૨૦૦૦થી વધુ વીડિયો અને ૬૦થી ૭૦ જેટલા વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર પાયલ હોસ્પિટલ જ નહીં, પરંતુ દેશના અન્ય શહેરોની હોસ્પિટલોના પણ સીસીટીવી ફૂટેજનો સમાવેશ થાય છે. આરોપીઓ હોસ્પિટલો, મોલ, જિમ અને અન્ય જાહેર સ્થળોના સીસીટીવી કેમેરા હેક કરીને મહિલાઓના ફૂટેજ મેળવતા હતા.
સાઈબર ક્રાઈમ ડીસીપી ડૉ. લવીના સિન્હાએ જણાવ્યું કે, મુખ્ય આરોપી પ્રજ્વલ તેલીએ છેલ્લા ૮ મહિનામાં આ કૃત્ય દ્વારા ૧૦ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પ્રીમિયમ ગ્રુપ દ્વારા વધુ પૈસા કમાતા હતા, જે દર્શાવે છે કે તેઓએ એક સુવ્યવસ્થિત વ્યવસાયિક મોડેલ વિકસાવ્યું હતું.
આરોપીઓ પ્રજવલ તૈલી અને ચંદ્રપ્રકાશ ૮૦૦થી ૨૦૦૦ રૂપિયા વીડિયોને વેચાણ કરતાં હતા. આરોપીઓ પાસેથી જ્યોર્જિયા અને રોમાનિયાના આઈડી પણ મળ્યા છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોઈ શકે છે. અમેરિકાના એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું.
વધુમા, સાયબર ક્રાઈમની તપાસમાં ટેલીગ્રામ ચેનલના ૨૦ જેટલા આઈડી મળી આવ્યા છે, જે તપાસકર્તાઓને અન્ય સંભવિત આરોપીઓ અને પીડિતોને ઓળખવામાં મદદ કરી શકે છે. આરોપીઓ પર આઈટી એક્ટની કલમ ૬૬ઈ, ૬૭ અને ૬૬ એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.