Western Times News

Gujarati News

સ્ટાઇલિસ્ટને દિવસના ૨ લાખ આપી દેવા એ નરી મૂર્ખામી: જોન અબ્રાહમ

મુંબઈ, છેલ્લાં કેટલાંક વખતથી ફિલ્મ સ્ટાર્સના ઓન્ટ્રાજ પાછળના મહાકાય ખર્ચની ચર્ચાઓ ચાલે છે, કેટલાંક લોકો તેને યોગ્ય ગણાવે છે, તો કોઈ તેને ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક માને છે. તાજેતરમાં જોન અબ્રાહમે પણ આ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

તેણે કહ્યું કે ઓન્ટ્રાજના ખર્ચને કારણે ઇન્ડસ્ટ્રીને ભોગવવું પડે છે. તેણે કહ્યું કે એક સ્ટાઇલિસ્ટને દિવસના બે લાખ આપવા એ ગાંડપણ છે. તેણે કલાકારોને આ વાત પર મનોમંથન કરવા કહ્યું. જોને કહ્યું, “તેનાથી હિન્દી સિનેમાનું નુકસાન થઈ રહ્યું છે.

હાલ આપણે ફિલ્મના મોટા બજેટ વિશે જો સ્પષ્ટતા ન આપી શકીએ તો આપણે લોકોને ફિલ્મમાં કામ કરવા માટે પેમેન્ટ ન આપી શકીએ. આપણે જે મોટી ફી ચૂકવીએ છીએ અને તેની સાથે આપણે ફિલ્મના ઓન્ટ્રાજનો ખર્ચાે ફિલ્મ પર ન નાખી શકીએ. આ મૂર્ખામી છે.

ખબર નહીં કલાકારોની આ વિચારધારા છે કે પછી તેમના એજન્ટ તેમને આ રીતે વિચારવા મજબુર કરે છે. હું સમજું છું કે તમને એક ફુગ્ગાની અંદર પુરી દેવાય છે પણ તમે એટલા મૂર્ખ તો ન જ બની શકો. તમારે દુનિયાની વાસ્તવિકતા જોવી જોઈએ.

”જોને કહ્યું કે બધાની પહેલાં તો કલાકારોએ પોતાની ફી ઘટાડવાની જરૂર છે અને ડિરેક્ટર પાસેથી સાંભળવાની તૈયારી રાખવી જોઈએ કે તેઓ જે ફી માગે છે, તેઓ તેને લાયક નથી. જોહ્ને કહ્યું, “શરૂઆત એ રીતે કરવી જોઈએ કે પહેલાં તો તમારા પોતાના ખર્ચની રકમ ઘટાડો.

જ્યારે તમને ડિરેક્ટર કહે કે તમારું એટલું બધું મુલ્ય નથી, તો તમારે એ વાતને ધ્યાન પર લેવી જોઈએ. આપણે હજુ સુધી એ વાત સમજતાં નથી. આપણે આપણી જાતની બીજા કલાકારો સાથે સરખામણી કરવા માંડીએ છીએ અને આપણે આપણી ફી જગજાહેર કરવી હોય છે એ સૌથી ખરાબ બાબત છે.”

જોને આગળ કહ્યું, “કલાકારોએ સમજવું પડશે કે આપણે ઊંડાં અંધારા કૂવામાં ધકેલાઈ રહ્યાં છીએ. કલાકારોએ તો ફિલ્મનો આધાર બનીને કામ કરવું જોઈએ. કલાકારોએ એવું કહેવું જોઈએ કે ફિલ્મને ફાયદો થશે તો મારો પણ ફાયદો થશે કારણ કે આપણે આપણા લાખો કમાઈ લીધા છે. તમે સીસ્ટમને કેટલી હદ સુધી ચૂસી લેશો કે એ સુકાઈ જાય?” જોકે, જોન આ બાબતનો આરોપ માત્ર કલાકારો પર નથી લગાવતો.

તેણે પ્રોડ્યુસર્સ અને એક્ઝિબિટર્સને પણ આ બાબતે જવાબદાર ગણાવ્યા છે. “પ્રોડ્યુસર્સ પણ આ મોટી રકમો આપવા તૈયાર થઈ જાય છે. ફિલ્મ બનાવો, પ્રપોઝલ નહીં. ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ કલાકારોની પસંદગી થવી જોઈએ, સ્ટારડમ જોઈને રોલ નક્કી થવા જોઈએ નહીં.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.