આજે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોતઃ મહેબુબા મૂફ્તી
શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ- કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આર્ટીકલ ૩૭૦ હટાવ્યા અને લદ્દાખને અલગ કર્યા પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી છે.
ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને મહેબૂબા મુફ્તીએ પ્રચાર વચ્ચે શુક્રવારે એક નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ શરૂ થઈ ગયો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, “જો અબ્દુલ્લા પરિવારે પાકિસ્તાનના એજન્ડાનું પાલન કર્યું હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો હોત.”
શ્રીનગરના જૂના શહેરમાં નવાકદલમાં એક બેઠકમાં PDPના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતે કાશ્મીરના અબ્દુલ્લા પરિવારનો આભાર માનવો જોઈએ. જો શેખ અબ્દુલ્લાએ મુસ્લિમ બહુમતી હોવા છતાં ભારતમાં જોડાયા ન હોત તો આજે આપણે કાં તો સ્વતંત્ર હોત અથવા તો બીજી બાજુ એટલે કે પાકિસ્તાન સાથે હોત.
મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે, જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે ઉમર અબ્દુલ્લાએ કાશ્મીરને લઈને ભારતની સ્થિતિ આખી દુનિયામાં ફેલાવી હતી. મુફ્તી પરિવારે કાશ્મીરમાં હુર્રિયત સાથે વાતચીત શરૂ કરી અને યુવાનોને હિંસાથી દૂર રાખ્યા.
મહત્ત્વપૂર્ણ છે કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ત્રણ તબક્કામાંથી પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે પૂર્ણ થયું હતું. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન ૧ ઓક્ટોબરે થવાનું છે. ચૂંટણીના પરિણામો ૮ ઓક્ટોબરે જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૧૦ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે.