અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરીને ઢેલનું મોત નિપજાવતાં ચકચાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Firing-scaled.jpg)
Files Photo
મહેમદાવાદ, મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામમાં આવેલા ગજકૂઈ ચીન વિસ્તારમાં અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરી ઢેલ પક્ષીનું મોત નીપજાવ્યું હતું જે અંગેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી
જયારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ માહિતી જાેવામાં આવે તો રૂદણ ગામની સીમ વિસ્તારમાં ફાયરીંગનો અવાજ આવતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તેમજ તેઓએ સ્થળ પર જઈને જાેયુ તો એક ઢેલ મૃત હાલતમાં મળી આવી હતી જેને ગોળી વાગી હતી. અજાણ્યા ઈસમો ફાયરીંગ કરીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા
જયારે આ ઘટનાની જાણ સરપંચને કરવામાં આવતા સરપંચે ઘટના સ્થળે આવી વધુ તપાસ માટે મહેમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પીઆઈ, રણજીતસિંહ ખાંટ અને તેમની પોલીસ ટીમ સાથે આવી તપાસ કરતા તેઓને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી તેમજ મહેમદાવાદ ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર ભાવનાબેન ભરવાડ ટીમ સાથે આવી ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.
તેમજ આ મૃત ઢેલના મૃતદેહને કચેરીએ લઈ જઈ પીએમ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે જેથી તપાસના અનુસંધાને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.