માવઠાથી મગફળી ધોવાઈ: દિવાળીની રાતે 4 દીકરીના પિતાએ ફાંસો ખાધો
જૂનાગઢ, કમોસમી વરસાદે હજારો ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનાવી દીધી છે. જેનો ભોગ બનેલા કેશોદના શેરગઢ ગામના ચાર દીકરીના પિતા એવા ખેડૂતે ગતરાતે વાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.
કેશોદના શેરગઢ ગામમાં રહેતા દાનાભાઈ નાથાભાઈ બાબરિયા ઉ.વ.૪૮ એ ગત રાતે વાઠીએ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમના નાના ભાઈ કિશનભાઈ નાથાભાઈ બાબરિયાએ જણાવ્યું કે, તેમના મોટાભાઈએ ૧૦ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદમાં તેનો તમામ પાક નિષ્ફળ ધોવાઈ ગયો
અને પાક નિષ્ફળ જતાં લાખોના ખર્ચા પછીએ હાથમાં કાંઈ આવે તેમ ન હોવાથી દાનાભાઈ છેલ્લા૧૦ દિવસથી ગુમસુમ રહેતા હતા. તેવામાં પરિવારમાં તેને ચાર દીકરીઓની જવાબદારી હોવાથી અને આર્થિક રીતે સ્થિતિ કફોડી બનતા અંતે ગતરાતે તેમના ભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
દિવાળીની રાતે જ બનેલી ઘટનાથી હાલ તો ખેડૂત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ચાર-ચાર દીકરીઓ પિતા વિહોણી બની જતાં નાના એવા ગામમાં ગમગીની ફેલાઈ જવા પામી છે.