Western Times News

Gujarati News

આગ વરસાવતા ઉનાળામાં લોકોએ માણી બરફ ગોળાની મોજ

પોરબંદર, ઉનાળો આવતા જ લોકો ગરમીથી અકળાઈ ઉઠે છે. દિવસભર આકરો તાપ અને ગરમીથી લોકો ત્રસ્ત બની જાય છે. દિવસ દરમિયાન લીંબુ સરબત, શરેડીનો રસ સહિતના ઠંડા પીણાનો સહારો લે છે. તો રાત્રીના સમયે આઇસ્ક્રીમ અને બરફના ગોળાનો સ્વાદ માણે છે.

પોરબંદરમાં ૫ રૂપિયાથી લઈ ૧૫૦ રૂપિયા સુધીના ગોળા ઉપલબ્ધ છે. પોરબંદરમાં છેલ્લા ૧૮ વર્ષથી ગોળાનો વ્યવસાય કરતા સંજયભાઇ તન્નાએ જણાવ્યું હતું કે, ઉનાળાની સીઝનમાં લોકો રાત્રીના સમયે બરફના ગોળા ખાવાનું પસંદ કરે છે.

ગોળામાં વિવિધ વેરાઇટી ઉપલબ્ધ છે, જેમાં અલગ-અલગ ફલેવરની ચાસણી તેમજ ચોકલેટ, મલાઈ, કાજુ-બદામ, ચેરી, કીસમીસી નાંખીને બનાવવામાં આવે છે.

ખાસ કરીને લોકો ચોકલેટવાળા ગોળા લોકો વધારે પસંદ કરે છે. તેમાં કપલ ડીશ, કેડબરી ચીપ્સ ખટ્ટા-મીઠા, રજવાડી,ચોકલેટ ચોકબાર, સાજન-સજની અને ચોકલેટ ચિપ્સ, કાચી કેરી, ચીકુ ચોકલેટ, ચોકલેટ અંજીર સહિતના ગોળાનો લોકો સ્વાદ માણે છે.

પોરબંદર શહેર નાનું હોવાથી બરફના ગોળાનો ભાવ પણ ઓછો જોવા મળે છે. પોરબંદરમા રાત્રીના સમયે લોકો બરફના ગોળો ખાવાની મોજ માણતા નજરે પડે છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે રાત્રીના સમયે બરફના ગોળાનો લોકો સ્વાદ માણતા હોય છે.

પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન ખાસ કરીને બપોરના સમયે બરફ ગોળાની લારી નીકળતી હોય છે અને લોકો દિવસ દરમિયાન બરફના ગોળાનો સ્વાદ માણે છે. આ ગોળાની કિંમત ૫થી ૨૫ રૂપિયા સુધીની હોય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો દિવસ દરમિયાન બહાર જવાનું ટાળે છે. સાંજ ઢળતા ગરમીમાં થોડી રાહત થાય છે. આથી રાત્રીના ભોજન બાદ લોકો પરિવાર સાથે બહાર ફરવા માટે નિકળે છે અને બરફના ગોળાનો સ્વાદ માણે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.