હોટલની બહાર ક્રિકેટરોને જોવા માટે લોકોનો જમાવડો
વિશ્વકપની ફાઈનલ રમવા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદમાં આગમન
(એજન્સી)અમદાવાદ, ટીમ ઈન્ડિયા આઈસીસી વિશ્વકપ-૨૦૨૩ની ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ૭૦ રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત ૧૦ જીત મેળવી છે.
હવે ભારતીય ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવા ઉતરશે. ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી સેમીફાઈનલના વિજેતા સામે થશે. વિશ્વકપ ફાઈનલને લઈને ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી પહોંચી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અમદાવાદ આવી પહોંચી હતી.
ITC Narmada welcomes Team India ahead of World Cup finals in Amdavad 🙂 pic.twitter.com/dJxMXefAjC
— Mangalam Maloo (@blitzkreigm) November 17, 2023
ટીમ ઈન્ડિયા અમદાવાદમાં આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કરશે. ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ચુકી છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા સૌથી મોટી અને મહત્વની મેચ માટે અમદાવાદ પહોંચી ચુકી છે. વિશ્વકપ ૨૦૨૩માં ભારતીય ટીમ અમદાવાદમાં એક મેચ રમી ચુકી છે, જેમાં ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા રવિવારે ઈતિહાસ રચવા ઉતરશે.
ભારતીય ટીમ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત ૧૦ જીત મેળવી સેમીફાઈનલમાં દબદબાભેર પ્રવેશ કર્યો છે. વિરાટ કોહલી બેટથી ધમાકો મચાવી રહ્યો છે અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. ભારતીય ટીમ અમદાવાદમાં નેટ પ્રેક્ટિસ કરશે. ટીમ બપોરે ૨ કલાકથી સાંજે ૫ કલાક સુધી પ્રેક્ટિસ કરશે. આ ઓપ્શનલ પ્રેક્ટિસ છે, એટલે કે જે ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા ઈચ્છે તે કરી શકે છે.
ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એશોશીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની હોટલોના એક દિવસના ભાડા ૫૦ હજારને પાર પહોંચી ગયા છે….જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં ૪ થી ૫ હજાર રૂપિયા હતું લોકો એ રૂમ ૫૦ હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે.