કેનેડામાં લોકોને દર મહિને ગેસ અને લાઈટના બિલ ભરવાના પણ ફાંફા

નવી દિલ્હી, કેનેડાની ગણના વિશ્વના સૌથી આધુનિક અને ધનિક દેશોમાં ગણાય છે છતાં અત્યારે અહીં વધુને વધુ લોકો નાણાકીય સંકટમાં ફસાઈ રહ્યા છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે કેનેડામાં પગારની મદદથી ઘણા લોકો માંડ માંડ મહિનો કાઢી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અત્યારે દર મહિને લાઈટ કે ગેસના બિલ ભરવામાં પણ કેનેડિયનોને ફાંફા પડી રહ્યા છે. એકંદરે કેનેડામાં આર્થિક સ્થિતિને મોટો ફટકો પડ્યો છે અને આગામી વડાપ્રધાનની ચૂંટણીમાં તે મોટો મુદ્દો બનવાનો છે.
એક અહેવાલ મુજબ લગભગ અડધા કેનેડિયનો પોતાના પગારમાં માંડ મહિનો પસાર કરી શકે છે. મહિનો પૂરો થાય ત્યારે તેમની પાસે લગભગ નાણાં હોતા નથી. લોકોએ પોતાના ઘરેલુ બજેટમાં કાપ મુક્યો છે અને ઓછું ભણેલા તથા ઓછો અનુભવ ધરાવતા યુવાનોની હાલત વધારે ખરાબ છે.
આ દરમિયાન કેનેડામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કન્ઝર્વેટિવ નેતાઓએ વચન આપ્યું છે કે તેઓ ચૂંટણી જીતશે તો ચીજવસ્તુઓના ભાવ સસ્તા થઈ જશે. લગભગ ૩૮ ટકા લોકોએ કહ્યું કે તેઓ મોંઘવારીના મુદ્દે વોટિંગ કરશે. બીજી તરફ લિબરલ પાર્ટીના ટેકેદારો ઘટતા જાય છે. આ સરવેમાં ૪૭થી ૫૦ ટકા લોકોનું કહેવું છે કે તેઓ તેમને હાલના પગારમાં ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે.
૧૮થી ૩૫ વર્ષની વયના ૫૩ ટકા લોકો અત્યારે નાણાભીડ અનુભવે છે જ્યારે ૩૫થી ૫૪ વર્ષની વયજૂથમાં ૫૭ ટકા લોકોની નાણાકીય હાલત ખરાબ છે. આ હાલત મોટા ભાગના કેનેડામાં છે. તેમાં તમામ પ્રોવિન્સ આવી જાય છે. ત્યારે માત્ર ૩૦ ટકા લોકો જ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સરકારના કામકાજથી સંતુષ્ટ છે.
૨૪ ટકાએ કહ્યું કે તેમને થોડો ઘણો અસંતોષ છે જ્યારે ૩૫ ટકાએ ટ્રૂડોની સરકારને એકદમ બેકાર ગણાવી હતી. ખાસ કરીને મહિલાઓમાં અસંતોષ વધતો જાય છે. ૫૭ ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ જસ્ટિન ટ્રૂડો સરકારથી અત્યંત નારાજ છે. આ સરવે ગયા અઠવાડિયે કરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ ૧૬૦૦ લોકોને સવાલો કરવામાં આવ્યા હતા.
બે મહિના અગાઉ કેનેડામાં આવો સરવે કરવામાં આવ્યો ત્યારે સરકારને જે ટેકો મળ્યો હતો તેના કરતા આ વખતે ઓછો ટેકો જાેવા મળે છે. કેનેડાનો યુવાન વર્ગ માને છે કે તેમનો દેશ એક રીતે આર્થિક મંદીમાં ધકેલાઈ ગયો છે. તેના કારણે તેઓ દર મહિને વીજળી, ગેસ, પાણીના બિલ ભરવામાં પણ મુશ્કેલી અનુભવે છે.
૩૫ ટકા લોકોને ભય છે કે આગામી એક વર્ષમાં તેઓ પોતાની જાેબ ગુમાવશે. ઓન્ટોરિયો અને ક્યુબેક પ્રોવિન્સમાં આવા લોકોનું પ્રમાણ વધારે છે. કેનેડામાં અત્યારે મહિલાઓ કરતા પુરુષોને જાેબ ગુમાવવાની વધારે બીક સતાવે છે. ૩૬ ટકા લોકો એવું માને છે કે તેમના ઘરગથ્થુ બજેટની હાલત એટલી ખરાબ છે કે ભવિષ્યમાં શું થશે તેની તેમને ખાતરી નથી.SS1MS