પંચમહાલના કાલોલમાં લોકોએ જાતે જ અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું
નેતાઓ ન આવતા અંડરબ્રીજનું લોકાર્પણ અટકી પડ્યું
બ્રિજની માંગ સાથે અનેક વખત ગામના લોકોએ આંદોલન પણ કર્યા હતા જે સંતોષાયા બાદ લોકાર્પણમાં વિઘ્ન આવતા લોકોએ સ્વાર્પણ કરી નાખ્યું
પંચમહાલ,પંચમહાલના કાલોલમાં લોકોએ જાતે જ અંડરબ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. અંડરબ્રિજનું નિર્માણ કરાયાને લાંબો સમય વીતવા છતાં પણ નેતાઑ લોકાર્પણ માટે ન ડોકાતા લોકોની ધીરજ ખૂંટી હતી અને ગ્રામજનોએ એકઠા થઇને કોઈ રાજકીય શો બાજી કે તાયફા વિના જ ઉદ્ઘાટન સમારોહ યોજી દીધો હતો.
પંચમહાલના કાલોલમાં લોકમાંગને ધ્યાને લઇને તંત્ર દ્વારા અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની કામગીરી પૂર્ણ થયા બાદ પણ અંડરબ્રિજનું લોકાર્પણ ન થતા લોકો પરેશાન થઇ રહ્યા હતા. ત્યારબાદ આ સમસ્યાનું જાતે નિવારણ લેવાની દિશામાં ગ્રામજનોએ એક સૂર થયા બાદ ડેરોલ ગામના લોકોએ બાળક પાસે અંડરબ્રિજનું લોકાર્પણ કરાવી બ્રિજના શ્રી ગણેશ કર્યા હતા.
અંડરબ્રિજનું લોકાર્પણ ન થતા અને અંડરબ્રિજ ખુલ્લો ન હોવાથી લોકો લાખ ચોર્યાસીનો ફેરો ફરવા મજબૂર બન્યા હતા.ઉલ્લેખનીય છે કે, પંચમહાલ પંથકના ૨૫ ગામના લોકો આ રસ્તા પર મુસાફરી કરતા હતા. પરતું બ્રિજની સુવિધાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ત્યારબાદ છેલ્લા ૬ વર્ષથી લોકો અંડરબ્રીજ બનાવવા માગ કરી રહ્યાં હતા. બ્રિજની માંગ સાથે અનેક વખત ગામના લોકોએ આંદોલન પણ કર્યા હતા જે સંતોષાયા બાદ લોકાર્પણમાં વિઘ્ન આવતા લોકોએ સ્વાર્પણ કરી નાખ્યું હતું. વર્ષોની સમસ્યાનો અંત માત્ર લોકાર્પણના વાંકે અટક્યો હતો. આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ss1