કેનેડાની સિટિઝનશિપ લેવામાં લોકોને રસ ઘટી ગયો
નવી દિલ્હી, કેનેડા જઈને સેટલ થવા માટે એક સમયે ભારતીયોમાં ભારે ક્રેઝ હતો, પરંતુ હવે કેનેડાના વળતા પાણી હોય તેવું લાગે છે. માત્ર ભારત જ નહીં પરંતુ દરેક જગ્યાએ આવું જોવા મળે છે. તેના કારણે કેનેડાની સિટિઝનશિપ માટે પણ ડિમાન્ડ ઘટી છે.
તાજેતરનો એક સરવે બતાવે છે કે ૨૦ વર્ષ અગાઉના કેનેડા અને આજના કેનેડામાં ઘણો ફરક છે. તેથી ઈમિગ્રન્ટ્સ હવે કેનેડાની સિટિઝનશિપ માટે પહેલા જેવી દોટ નથી લગાવતા. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના રિપોર્ટ મુજબ કેનેડામાં અત્યારે વસતા ઈમિગ્રન્ટ્સમાં કેનેડાના નાગરિકત્વ માટે ક્રેઝ ઓછો થઈ ગયો છે. ૧૯૯૬થી ૨૦૨૧ સુધીના ગાળાને આવરી લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું.
તેમાં જાણવા મળે છે કે ઈમિગ્રન્ટમાં સિટિઝનશિપ રેટ ૩૦ ટકા જેટલો ઘટી ગયો છે. સૌથી મોટો ઘટાડો છેલ્લા એક દાયકામાં આવ્યો છે. જે લોકો કેનેડામાં ૫, ૧૦ કે ૧૫ વર્ષથી રહે છે તેમાંથી કેટલા લોકો કેનેડાની સિટિઝનશિપ માટે અરજી કરે છે તેનો ડેટા ચકાસવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૯૬માં ૭૫ ટકાથી વધુ ઈમિગ્રન્ટ્સ કેનેડિયન સિટિઝનશિપ માટે અરજી કરતા હતા. જ્યારે વર્ષ ૨૦૨૧માં આ આંકડો ઘટીને ૪૫.૭ ટકા સુધી આવી ગયો હતો. ૨૦૧૬થી ૨૦૨૧ વચ્ચે તો ઈમિગ્રન્ટ્સમાં એવો મોહભંગ થયો કે તેમણે કેનેડાના નાગરિક બનવા માટે બહુ ઓછી અરજીઓ કરી હતી. અલગ અલગ ઈમિગ્રન્ટમાં કેનેડાની સિટિઝનશિપ માટેનો ક્રેઝ પણ અલગ અલગ હોય છે.
ઉદાહરણ તરીકે જેમની વાર્ષિક આવક ૫૦,૦૦૦થી એક લાખ કેનેડિયન ડોલર વચ્ચે છે તેઓ કેનેડાની સિટિઝનશિપ મેળવે તેવી શક્યતા ૧૪ ટકા વધારે રહે છે જ્યારે ૧૦ હજાર ડોલરથી ઓછી આવક ધરાવતા લોકો કેનેડિયન સિટિઝનશિપ માટે અરજી કરવાનું ટાળે છે.
આ ઉપરાંત હાઈસ્કૂલ ડિગ્રી ધરાવતા ૩૦.૫ ટકા લોકો કેનેડાની સિટિઝનશિપ માટે અરજી કરે છે જ્યારે યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતા લોકોમાં આ અરજીનું પ્રમાણ ૫૧.૮ ટકા છે. ઈમિગ્રન્ટ્સ કયા દેશમાંથી આવ્યા છે તેના આધારે પણ ડેટા અલગ અલગ આવી શકે છે.
ઈસ્ટ એશિયાના દેશોના ઈમિગ્રન્ટમાં કેનેડિયન સિટિઝનશિપની ડિમાન્ડ ૫૮ ટકા ઘટી ગઈ છે જ્યારે સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં ડિમાન્ડમાં ૪૦.૭ ટકા ઘટાડો થયો છે. વેસ્ટ એશિયાના દેશોમાંથી કેનેડિયન સિટિઝનશિપની માંગમાં ૩૦ ટકા ઘટાડો થયો છે.
પૂર્વ યુરોપના દેશોમાં ૨૯ ટકા અને સેન્ટ્રલ અમેરિકાના લોકોમાં કેનેડિયન સિટિઝનશિપ માટે માંગમાં ૨૮.૨ ટકા ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૬થી લઈને ૨૦૧૬ દરમિયાન સ્થિતિ બદલાવા લાગી હતી કારણ કે સિટિઝનશિપની ટેસ્ટ અઘરી બની છે, લેંગ્વેજ સ્કિલની ડિમાન્ડમાં વધારો થયો છે. આ ઉપરાંત એપ્લિકેશન ફી પણ વધારે છે. કોવિડે પણ આ ડેટામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
કારણ કે કેનેડિયન સિટિઝનશિપની માંગ ઘટવામાં લગભગ ૪૦ ટકા ભૂમિકા તો કોવિડની રહી છે. આ ઉપરાંત ભારત જેવા દેશમાંથી મોટી સંખ્યામાં યુવાનો કેનેડા જાય છે પરંતુ પછી સિટિઝનશિપ માટે પ્રયાસ કરવો કે નહીં તે ત્યાંની પરિસ્થિતિ જોઈને નક્કી કરવામાં આવે છે.SS1MS