જંબુસરના ઠાકોર તલાવડી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
હાઈકોર્ટનો ચુકાદો છતાં અન્ય સ્થળે જમીન નહિ ફાળવાતા રોષ
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાના ઠાકોર તલાવડી તેમજ ટીંબી ગામના રાઠોડ સમાજના ગરીબ ખેત મજૂરોને ૧૯૮૨ માં કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન સરકારે લઈ જીઆઈડીસીને આપી દેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
જે બાબતે હાઈકોર્ટમાં જતાં તેઓને અન્ય સ્થળે જમીન ફાળવણી કરતો ચુકાદો આપવા છતાં આજદિન સુધી જમીન નહિ ફાળવાતા રોષે ભરાયેલ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઠાકોર તલાવડી તેમજ ટીંબી ગામના રાઠોડ સમાજના ગરીબ ખેત મજૂરોને ૧૯૮૨ માં કોંગ્રેસ સરકાર દ્વારા એમની સ્થિતિ સુધરે તે માટે કુટુંબ દીઠ સાત એકર જમીન આપવામાં આવી હતી.
જ્યારે સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે આ વિસ્તાર ખારપાટ હતો અને તેના પર અસંખ્ય ગાંડા બાવળ ઉગી નીકળ્યા હતા જેથી ખેડૂતોએ ખૂબ મહેનત કરી આ જમીનને ખેતીલાયક બનાવી હતી અને તે પણ ખેતીના સિંચાઈ માટે વરસાદી પાણી પર આધાર રાખવો પડતો હતો.જેમ તેમ કરીને તેમનું જીવન નિર્વાહનો થોડો સુધારો આવ્યો ત્યાર પછી નર્મદા યોજનાની નહેરો ત્યાં આવી પરંતુ પાણી ન આવતા તેમને ઘણું નુકસાન વેઠવું પડતું
તલાવડીના ૨૮ કુટુંબની ૨૦૦ એકર તેમજ ટીંબી ગામના રાઠોડ સમાજના ૨૮ કુટુંબોની ૨૦૦ એકર તેમજ ગૌચર અને ખારપાટ થઈને કુલ ૧૨૦૦ એકર જમીન જીઆઈડીસી બનાવવાના ઉપયોગમાં લઈ લીધી હતી.જેથી તેમના પશુધનને પાણી તેમજ ઘાસચારાની ગંભીર સમસ્યા ઉભી થઈ જેથી ઘાસચારા તેમજ પાણીના અભાવે કેટલાક પશુધનના મૃત્યુ થયા હતા.
જીઆઈડીસી દ્વારા દિવાલ બનાવવાનું કામ અને અન્ય કામોમાં જે ખેડૂતોની જમીન ગઈ છે તેમને રોજગારી આપતા નથી અને તેમના પશુઓ અને તેમને પ્રવેશવા દેવામાં આવતા નથી જેથી તેમના જીવન નિર્વાહ માટે તેમને બીજી કોઈપણ જાતની આવક ન થતા આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
વડાપ્રધાન મોદી ખેડૂતોના વિકાસ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ખેડૂતોની જમીન લઈ મોટા ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે.તેમને કોઈપણ જાતનું વળતર કે જમીન આપવામાં આવતી નથી એવો રોષ ખેડૂતોએ દર્શાવ્યો હતો.
પીડિત ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તેમને વળતર મળે અથવા અન્ય જગ્યાએ જમીન ફાળવી આપવી પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ન તો તેમને મળવાની પણ કોઈ દરકાર કરી નથી.
જે ખેડૂતોએ જમીન ઉપર બોજો લીધો હોય તેમની જમીન છીનવાઈ જવાથી તેમની આવકનો કોઈ સાધનનો હોવાથી જમીન પર લીધેલો બોજો તે કેવી રીતે ભરી શકશે ગત વર્ષે આ બાબતે બે ખેડૂતોએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા પણ કરી હતી.
સરકાર અમારા ગરીબ લોકોનું કાંઈ વિચારે અહીં તો અમારું કુટુંબ વિખરાઈ જશે અમારે પણ આત્મહત્યા કરવા મજબૂર થવું પડશે.જો સરકાર દ્વારા કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો રાઠોડ સમાજના ૪૦,૦૦૦ જેટલા મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરશે.