ચિકન દાના લેવા આવેલા શખ્સોએ લારીમાં તોડફોડ કરી રિક્ષાના કાચ તોડ્યા
સૈજપુર બોઘામાં લુખ્ખાઓએ યુવાનોના માથામાં તલવારના ઘા ઝીંક્યા
અમદાવાદ, શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં ચિકન દાના લેવા માટે આવેલા શખ્સોએ તલવાર અને લાકડી સાથે આતંક મચાવતાં ચકચાર મચી ગઈ છે. ચાર શખ્સોએ ચિકન દાનાની લારી ચલાવતા યુવક સહિત બે લોકોના માથામાં તલવારના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં તોડફોડ કરીને બે રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. બે શખ્સોએ ચિકન દાનાની લારી ધરાવતા યુવક સાથે બબાલ કરતાં મામલો ગરમાયો હતો.
શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતાં ગીતાબહેન ચુનારાએ ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ તોડફોડ તેમજ હુમલાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. ગીતાબહેન તેમનાં સંતાનો સાથે રહે છે અને પાન પાર્લર ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગીતાબહેનના પાર્લરની આગળ દિલદાર સુની રાતે ચિકન દાનાની ચલાવે છે. ગઇ કાલે ગીતાબહેન તેમજ તેમનો દીકરો સમીર પાન પાર્લર પર હાજર હતાં ત્યારે દિલદાર ધંધો બંધ કરી રહ્યો હતો.
દરમિયાનમાં બે યુવક ચિકન દાના લેવા માટે આવ્યા હતા. છતાં એક યુવકે દિલદારને ગાળો આપવાની શરૂ કરી હતી. દિલદાર અને તેના ભાઇએ યુવકને ગાળો બોલવાની ના પાડી દીધી હતી. આથી બંને યુવક ઉશ્કેરાયા હતા અને તમને બતાવું છું તેમ કહીને પોતાનું વાહન લઇને જતા રહ્યા હતા.
થોડા સમય બાદ ચાર યુવક હાથમાં તલવાર, લાકડીઓ લઈને રિક્ષામાં આવ્યા હતા. ચારેય શખ્સોએ ગીતાબહેનના દીકરા સમીરને તલવાર મારી દીધી હતી. ગીતાબહેને બૂમાબૂમ કરતાં ત્યાં હાજર લોકો પણ ગભરાઈને જતા રહ્યા હતા. સમીર પર દોડીને પાર્લરમાં જતો રહ્યો હતો પરંતુ ઉશ્કેરાયેલા શખ્સો તેની પાસે પહોંચી ગયા હતા.
સમીરના માથામાં તલવારનો ઘા મારી દીધા બાદ તેમણે દિલદારના માથામાં પણ તલવારનો ઘા મારી દીધો હતો. તેમણે લારીમાં તોડફોડ કર્યા બાદ બે રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા હતા. ગીતાબહેને તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. જેથી હુમલાખોરો રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા.
આસપાસના લોકોએ સમીર અને દિલદારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.