મ્યુનિ.કોર્પોરેશને વિવિધ બોરવેલ પાસે પરકોલેટીંગ વેલ બનાવ્યા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં આવી રહયો છે.
એક વર્ષ અગાઉ ખાનગી સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી પરંતુ મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા પાણીના બોરવેલ અને વોટર ડીસ્ટીબ્યુશન સ્ટેશન પાસે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવ્યા છે. જેના કારણે મ્યુનિ. બોરવેલના જળસ્તર જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૭ સ્થળે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવ્યા છે જેમાં કલ્યાણ જવેલર્સ આંબાવાડી, મધુમતી આવાસ યોજના કઠવાડા, રેવાભાઈ ગાર્ડન સરસપુર, પ્રિતમપુરા સ્કુલ નં.-૩, મણીયાસા સોસાયટી લક્ષ્મીનારાયણ પંપીંગ, રાધાક્રિષ્ન મંદિર શાહવાડી, ગુજરાતી શાળા નં.૧ શાહવાડી, મહિલા ગાર્ડન- રાજપથ કલબ,
આનંદનગર, સ્ટેડિયમ ગેટ નં.-પ પાસે, એપોલો સ્કુલ પાસે- નારાયણનગર, પ્રકાશનગર વો.ડી.સ્ટેશન – મણિનગર, અસારવા સીવીક સેન્ટર- હિરાગોદાણી ચાર રસ્તા, ગોપાલચોક- નિકોલ, હેલ્મેટ ચાર રસ્તા અને સોનલ પોલીસ ચોકી પાસે, પરકોલેટીંગ વેલ બનાવવામાં આવી છે. આ તમામ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની છે. મ્યુનિ. ઈજનેર વિભાગના અધિકારી અમિતભાઈ સંઘવીના જણાવ્યા મુજબ વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવી છે
હજી વધુ ૮ થી ૧૦ સ્થળે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવશે. એક પરકોલેટીંગ વેલ તૈયાર કરવા માટે અંદાજે ૧પ લાખનો ખર્ચ થાય છે. મ્યુનિ. બોરવેલ પાસે પરકોલેટીંગ બનાવવાથી તેના જળસ્તર જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.