પેટલાદ APMCની તિજોરી તળીયા ઝાટક: કર્મચારીઓને પગાર કરવાના ફાંફાં

મલાઈદાર આવક હતી તો રોજ ધામા, હવે કોઈ ડિરેક્ટર ડોકાતા પણ નથી
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આ સહકારી સંસ્થામાં આવકના સ્ત્રોત નહિવત્ થઈ ગયેલ છે. જેને કારણે એપીએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા સાત મહિનાથી પગાર નથી મળ્યો. હાલની કારમી મોંઘવારીમાં કર્મચારીઓને ગુજરાન ચલાવવું પણ અસહ્ય થઈ ગયું હોવાનું જાણવા મળે છે. થોડા વર્ષો અગાઉ જીલ્લામાં આર્થિક જાહોજલાલી ધરાવતી પેટલાદ એપીએમસીની આર્થિક સ્થિતી દિન પ્રતિદીન કથળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદમાં છેલ્લા ૬૩ વર્ષથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી કાર્યરત છે. વર્ષ ૧૯૬૧માં શહેરના ગામતળ સ્થિત કલાલ પીપળ પાસેના ગુર્જરી બજાર ખાતે બજાર સમિતીની શરૂઆત થઈ હતી. અહીંયા વર્ષો સુધી બજાર સમિતી કાર્યરત રહ્યા બાદ રણછોડજી મંદિર પાસે શાક માર્કેટમાં પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીનું સંચાલન ચાલતું હતું.
આ સમિતીનો સઘળો તમામ વહીવટ અહીયાથી જ થતો હતો. સમય જતાં વર્ષ ૧૯૯૪માં બજાર સમિત માટે કોલેજ ચોકડી ખાતે મોરારજી ભવન નવનિર્મિત થયું હતું. આ જગ્યાએ બજાર સમિતીની ઓફીસ, માર્કેટ યાર્ડ, ૯૦ જેટલી દુકાનો વગેરે બનાવવામાં આવ્યા હતા. આ ભવનમાં કામકાજની શરૂઆત વર્ષ ૧૯૯૬થી થઈ હતી. ધીમેધીમે બજાર સમિતીની આવક વધતાં જાહોજલાલી વધતી ગઈ હતી.
જો કે પેટલાદ શાકમાર્કેટથી બજાર સમિતીનું કાર્યાલય વર્ષ ૨૦૦૧માં સ્થળાંતર થયું હતું. તે સમયે આ સહકારી સંસ્થાની બાગડોર પૂર્વ સહકાર મંત્રી સી ડી પટેલ હસ્તક હતી. તેઓના કાર્યકાળ દરમ્યાન આ સંસ્થામાં સહકારી આગેવાન તેજસ (જીગાભાઈ) પટેલે પગપેસારો કરવો શરૂ કર્યો હતો. જેને કારણે આ સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં ભારે ઉત્તેજના રહેતી હતી.
છેવટે વર્ષ ૨૦૧૨થી તેજસ (જીગાભાઈ) પટેલે પેટલાદ બજાર સમિતીની સત્તા સી ડી પટેલ પાસેથી આંચકી લીધી હતી. પેટલાદ બજાર સમિતીમાં તેજસ પટેલે ચેરમેન બનતા જ વિકાસના કામો હાથ ધર્યા હતા. વર્ષો જુની શાકમાર્કેટની જગ્યાએ સુવિધાઓ સાથેનું નવું બનાવવામાં આવ્યું હતું. શહેર અને તાલુકામાં શાકભાજી, કરિયાણા, અનાજ, તમાકુ વગેરેના વેપારીઓને ઝડપથી લાયસન્સ આપવામાં આવતા હતા.
ઉપરાંત શેષની આવક લગભગ બમણી થતાં કરોડોમાં થઈ ગઈ હતી. જેથી ડિરેક્ટરો સહિત લોકોના ધામા નંખાયેલા જ રહેતા હતા. પરંતુ હાલમાં આ બજાર સમિતીની આર્થિક સ્થિતી ડામાડોળ છે?. મલાઈદાર આવકના સ્ત્રોત બંધ થઈ જતાં હવે એપીએમસી ખાતે લગભગ કોઈ ડિરેક્ટર ડોકાતા પણ નહીં હોવાની વાત ચર્ચાસ્પદ છે. વધુમાં સરકારના નવા પરિપત્રને કારણે લાયસન્સ પ્રથા બંધ કરવામાં આવી છે
અને શેષ ઉઘરાવવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને કારણે પેટલાદ બજાર સમિતી માટે હાલ કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફાં છે. કરોડોનો વહીવટ કરતી આ સંસ્થાની તિજોરી તળીયા ઝાટક થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. છતાં સંસ્થાના હોદ્દેદારોના પેટનું પાણી પણ નહીં હાલતું હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
વધુમાં મળતી માહિતી મુજબ આ બજાર સમિતીને દર મહિને ભાડાની આવક માત્ર એકાદ લાખ રૂપિયાની છે. પરંતુ આ આવકમાંથી લાઇટબીલ, સફાઈ, સિક્યોરિટી વગેરે પાછળ ખર્ચ થઈ જાય છે. સંસ્થામાં લગભગ ૭ જેટલા કાયમી અને અન્ય હંગામી કર્મચારીઓ છે. જેઓને સરકારની જોગવાઈઓ મુજબ દર મહિને લગભગ ત્રણેક લાખ રૂપિયા પગાર ચુકવવા પાત્ર થાય છે.
પરંતુ આ બજાર સમિતીની તિજોરી તળીયા ઝાટક થઈ ગઈ હોવાથી ગત ઓક્ટોબર ૨૦૨૩થી પગાર થયો ન્હોતો. એટલે કે છેલ્લા આઠ મહિનાથી કર્મચારીઓ પગારથી વંચિત છે. ઉલ્લેખનીય છે કે આઠ મહિનાના બાકી પગાર સામે માત્ર એક મહિનાનો પગાર ૨૩ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ઓક્ટોબર ૨૦૨૩નો પગાર કર્યો હોવાનું સેક્રેટરી ભદ્રેશ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાકી પગાર માટે કર્મચારી યુનિયન દ્વારા સરકારમાં લેખીત રજૂઆત કરી છે. પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. હાલ સંસ્થા પાસે ભાડા સિવાય બીજી કોઈ જ આવક કે કામ નથી.
તોતીંગ શોપિંગ સેન્ટર ખાલીખમ
પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા વર્ષ ૧૯૯૪માં કોલેજ ચોકડી સ્થિત મોરારજી ભવન શોપિંગ સેન્ટર બનાવ્યું હતું. જ્યાં લગભગ ૯૦ જેટલી દુકાનો બનાવવામાં આવી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ના સમય દરમ્યાન આ જ મોરારજી ભવન ખાતે પ્રથમ માળે વિશાળ દુકાનો બનાવવામાં આવી હતી. ઉપરાંત શાકમાર્કેટનું નવિનીકરણ કરી ત્યાં બહારની બાજુ પ્રથમ માળે આશરે ૨૦થી વધુ દુકાનો બનાવવામાં આવી હતી.
પરંતુ આ બંન્ને સ્થળોની તોતીંગ દુકાનો ખાલીખમ છે. આ દુકાનોની ડિપોઝીટ ખૂબ જ વધુ હોવાને કારણે કોઈ લેવા તૈયાર નહીં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. ઉપરાંત હવે સંસ્થાના આગેવાનોને આવકના સ્ત્રોત વધારવાની કે કર્મચારીઓના પગારનું આયોજન કરવાની પણ કોઈ ચિંતા નહીં હોવાનો છુપો
ગણગણાટ સહકારી ક્ષેત્રમાં ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.
સરકારને લીધે આવક બંધ
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૦માં એક પરિપત્ર બહાર કર્યો હતો. જેમાં ઉલ્લેખ હતો કે રાજ્યની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા આપવામાં આવતા લાયસન્સ પ્રથા તથા ઉઘરાવવામાં આવતી શેષ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ બે કાયદાને કારણે પેટલાદ બજાર સમિતીની આવક સદંતર બંધ થઈ જવા પામી હતી.
જ્યાં સુધી આ સંસ્થા પાસે એકત્ર કરેલ ભંડોળ હતું ત્યાં સુધી પગાર સહિતના ખર્ચાને પહોંચી વળતા હતા. પરંતુ તે ભંડોળ ખાલી થઈ જતાં હવે છેલ્લા સાતેક મહિનાથી તો પગાર કરવાના પણ ફાંફાં પડી રહ્યા છે.
માર્કેટયાર્ડમાં વેપાર જ નથી
આણંદ જીલ્લામાં આઠ ખેતીવાડી બજાર સમિતી છે. જે પૈકી આણંદ બજાર સમિતીમાં શાકભાજીનો વેપાર મોટો છે એટલે ત્યાં આવકના સ્ત્રોત છે. જ્યારે ખંભાત અને તારાપુર બજાર સમિતીમાં માર્કેટયાર્ડ ધમધમતા છે. આ બંન્ને માર્કેટમાં ખેડૂતો દ્વારા અનાજ, કઠોળ વગેરેનો વેપાર કરવા આવતા હોય છે. જેને લીધે બજાર સમિતીને આવક મળી રહે છે.
અન્ય પૈકી પેટલાદ બજાર સમિતીમાં માર્કેટયાર્ડ અને ગોડાઉનો શોભાના ગાંઠીયા સમાન છે. કારણકે અહીંયા માર્કેટયાર્ડ સદંતર બંધ છે.મ. પેટલાદ બજાર સમિતી માત્ર દુકાનોના ભાડા ઉપર જ નિર્ભર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૬૩ વર્ષથી કાર્યરત આ બજાર સમિતી દ્વારા ભવિષ્યના લાંબા ગાળાની આવકના સ્ત્રોતો અંગે કોઈ જ આયોજન કર્યું નહીં હોવાનું જાણવા મળે છે.
ખાસ નોધપાત્ર બાબત એ પણ છે કે આ બજાર સમિતી જ્યારે આર્થિક સદ્ધરતા સાથે ધમધમતી હતી ત્યારે સહકારી આગેવાનોના આંખો દિવસ ધામા જોવા મળતા હતા. પરંતુ આ સંસ્થાની તિજોરી તળીયા ઝાટક થઈ જતાં કોઈ ડોકાતું પણ નહીં હોવાનું જાણવા મળે છે.