પેટલાદ ડેપોએ ધાર્મિક સ્થળોના રૂટ શરૂ કર્યા : બે નવી લક્ઝરી બસોની ફાળવણી
(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાના પેટલાદ એસ ટી ડેપો દ્ધારા આજથી નવા બે રૂટ શરૂ કર્યા છે. જેમાં જૈનોના ધાર્મિક સ્થળ મહુડી તથા સ્વામિનારાયણ સંસ્થા માટે પ્રસિદ્ધ થયેલ ગઢડાના રૂટનો સમાવેશ થાય છે. ઉપરાંત એસ ટી નિગમ દ્વારા પેટલાદ ડેપોને નવી બે લક્ઝરી બસની પણ ફાળવણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કમલેશ પટેલ દ્ધારા પેટલાદ ડેપો માટે ધાર્મિક સ્થળોના નવા રૂટની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી આજથી મહુડી અને ગઢડાના નવા રૂટો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રૂટની માહિતી આપતાં પેટલાદ ડેપો મેનેજર ભાવિનભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજથી પ્રારંભ થયેલ રૂટ પૈકી પેટલાદથી ગઢડા જતી બસ રોજ બપોરે ૧૩.૪૫ કલાકે ઉપડશે. આ બસ નડીયાદ, ખેડા, રઢુ, ધોળકા, ગણપતપુરા, અરણેજ, બગોદરા, ધંધુકા, બરવાળા, સારંગપુર, બોટાદ થઈ રાત્રે ૨૧ કલાકે ગઢડા પહોંચશે. જ્યારે ગઢડાથી પેટલાદ આવવા માટે ત્યાંથી વહેલી સવારે ૫.૩૦ કલાકે ઉપડી પેટલાદ ખાતે બપોરે ૧૨.૧૫ કલાકે આવશે. તેવી જ રીતે પેટલાદ થી મહુડીના નવા રૂટની આજથી શરૂઆત થતાં આ બસ અહિયાંથી સવારે ૮.૧૦ કલાકે ઉપડશે.
જે નડીયાદ, ખાત્રજ ચોકડી, અમદાવાદ, ગાંધીનગર થઈ બપોરે ૧૨.૨૫ કલાકે મહુડી પહોંચશે. તે જ બસ મહુડીથી બપોરે ૧૩.૧૦ કલાકે ઉપડી પેટલાદ સાંજે ૧૭.૨૫ કલાકે પરત પહોંચવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે પેટલાદ ડેપોને જે બે નવી ૨×૨ લક્ઝરી બસ મળી છે તે પેટલાદ – સોમનાથના રૂપને ફાળવવામાં આવી છે. આમ, પેટલાદ ડેપો દ્ધારા અનેક ધાર્મિક સ્થળોને જાેડતા રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આજરોજ બપોરે ૩ કલાકે મહેળાવ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગુણનીધી સ્વામીએ લીલી ઝંડી બતાવી નવા રૂટની બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.
જે પ્રસંગે પેટલાદના ધારાસભ્ય કમલેશ? પટેલ, જીલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ (બાદલ) પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલ, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકાના સભ્ય ભાવિન પટેલ, ભૌમી કાછીયા, એસ ટી વિભાગના એટીએસ વી એચ કાઝી, ટીઆઈસી બી જે બેલદાર, ટીઆઈ બી આર ડાભી, એટીઆઈ એચ જી ગોસાઈ, એસટીના કંડક્ટર, ડ્રાઈવર, કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઘટ અને ખોટથી ચાલતો ડેપો પેટલાદ એસ ટી ડેપોના કંડક્ટર માટે ૧૪૦ના મંજૂર મહેકમ સામે ૧૩૪ હોવાથી ૬ કંડક્ટરની ઘટ છે. જ્યારે ડ્રાયવરના ૧૪૦ મહેકમ સામે ૧૨૪ જગ્યા ભરેલ હોવાથી ૧૬ ડ્રાયવરની ઘટ હોવાનું જાણવા મળે છે. તેવી જ રીતે આવક – જાવક સંદર્ભે આ ડેપોની દૈનિક આવક અંદાજીત રૂ.૪.૫૦ લાખ જેટલી છે, જે ખરેખર રૂ.૭ લાખની હોવી જાેઈએ તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું. પાલિકા કચરો ઉપાડતા નથી ડેપો મેનેજર ભાવિનભાઈ રબારીએ સમસ્યા અંગે જણાવ્યું હતું કે અહિયાંથી ક્યારેય નગરપાલિકા દ્ધારા કચરો ઉપાડવામાં આવતો નથી. જેથી પવનના દિવસ દરમ્યાન કચરો આખા સ્ટેન્ડમાં ફેલાઈ જાય છે. જાે પાલિકા ડેપો ખાતે કચરા માટે કંટેનર મૂકે તો લોકો તેમાં જ કચરો નાંખી શકે. જેને કારણે સફાઈનો પ્રશ્ન પણ હલ થઈ શકે.