પેટલાદ પાલિકાનો મંદિરને જમીન આપવાનો ઠરાવ રદ
જમીન યથાવત સ્થિતીમાં રાખવા કમિશ્નરનો હુકમ
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ પાલિકામાં છેલ્લા બે વર્ષથી ભાજપ શાસિત બોર્ડ કાર્યરત છે. હિન્દુત્વના એજન્ડા ઉપર સ્પષ્ટ મેળવેલ બહુમત ધરાવતા વર્તમાન બોર્ડનો ઠરાવ રદ્દ થતાં રાજકીય ઝટકા સાથે પીછેહઠ થઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. Petlad Municipality’s resolution to give land to the temple is cancelled
વર્ષ ૨૦૨૧માં સ્વામિનારાયણ મંદિરને ફળવાયેલ જગ્યાનો ઠરાવ રદ્દ કરી જમીન યથાવત સ્થિતીમાં રાખવા વડોદરા અને ગાધીનગર કમિશ્નરના હુકમને લઈ રાજકીય હડકંપની સ્થિતી સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
પેટલાદ પાલિકાના સભાખંડમાં તા.૧૯ જૂન ૨૦૨૧ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં એજન્ડા મૂજબ ૨૭ કામો રજૂ થયા હતાં. ઉપરાંત પ્રમુખ સ્થાનેથી કેટલાક કામો મૂકવામાં આવ્યા હતા. જે પૈકી કામ નં. ૪ કે જે સ્વામિનારાયણ મંદિર મહેળાવને ટી. પી. સ્કીમ નં.૨ ના ફા. પ્લોટ નં. ૨૨/૪/૧ની જમીન ફાળવવાનું હતું.
આ કામ બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યું હતું. જેથી બોર્ડના આ ર્નિણય સામે વિરોધપક્ષના સભ્યોએ વડોદરા ખાતે પ્રાદેશિક કમિશ્નરની કચેરીમાં કલમ ૨૫૮ મૂજબ ઠરાવ રદ કરવા દાદ માંગી હતી.
પ્રાદેશિક કમિશ્નરમાં સુનાવણી ચાલતા ઠરાવને રદ કરી જગ્યાને યથાવત સ્થિતીમાં રાખવા હુકમ કર્યો હતો. જેથી પાલિકાએ પ્રાદેશિક કમિશ્નરના હુકમને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ગાંધીનગરના કમિશ્નરે પણ પ્રાદેશિક કમિશ્નરનો હુકમ યથાવત રાખવા આદેશ ફરમાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત વર્તમાન બોર્ડના પ્રમુખના ર્નિણયો, કાર્ય પદ્ધતિ તથા વહીવટ ઉપર વારંવાર અનેક સવાલો ઉઠ્તા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. શહેરનો વિકાસ છેલ્લા બે વર્ષથી થંભી ગયો હોવાની વાત પણ ચર્ચાસ્પદ બનવા પામી છે.
આટલું મોટું કામ પ્રમુખ સ્થાનેથી !
પેટલાદ પાલિકાએ આ જમીન સ્વામિનારાયણ મંદિરને ટોકન ભાડા પટે આપવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ આ માટે કલેકટરની પુર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. પાલિકાના સત્તાધીશોને આવી જગ્યા ભાડે કે વેચાણ આપવાની કોઈ સત્તા ન હોવા છતાં ઠરાવ કરી કાયદાનું ઉલંઘન કરેલ હોવાથી વડોદરા અને ગાંધીનગર કમિશ્નરે ઠરાવ રદ્દ કરી
જમીન યથાવત સ્થિતીમાં રાખવા હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની જમીન આપવાનું આટલું મોટું કામ કાર્યસૂચીના બદલે શા માટે પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યું હશે ? ઉપરાંત જમીન ટોકન ભાડે આપવા કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા સિવાય સીધું ઠરાવ ઉપર લેવાનો શું મતલબ ? શું પાલિકા પ્રમુખ જીલ્લા કલેક્ટર કરતા પણ ઉપર છે ? આવા અનેક પ્રશ્નો પાલિકા પ્રમુખ સામે નગરજનોમાં ઉઠવા પામ્યા છે.