પેટલાદ પોલીસની વ્યાજખોરો સામે સખ્તાઈ
પીડિતો લેખિત કે મેસેજથી રજૂઆત કરી શકે છે
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ વિભાગીય પોલીસ દ્વારા એન કે હાઈસ્કુલ ખાતે આજરોજ લોક દરબાર યોજાયો હતો. શહેર કે ગ્રામ્ય વિસ્તારના જે કોઈ ઈસમો વ્યાજખોરીના ચક્કરમાં પિસાતા હોય તેવા લોકોને સાચો ન્યાય મળે તે સંદર્ભે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જાે કોઈ પિડીત જાહેરમાં પોતાની રજૂઆત ના કરી શકે તો તેવા લોકો લેખિત કે મેસેજ દ્વારા લાગતા વળગતા પોલીસ અધિકારીને જાણ કરી શકે છે.
જેની ઉપર યોગ્ય તપાસ કરી પિડીતને વહેલો ન્યાય અપાવવા પોલીસ કટીબધ્ધ રહેશે. પેટલાદ ટાઉન, રૂરલ અને મહેળાવ પોલીસ મથકની હદ વિસ્તારનો લોક દરબાર આજરોજ બપોરે ત્રણ કલાકે વિભાગીય પોલીસ અધિકક્ષક પી કે દિયોરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમા તેઓએ ઉપસ્થિત લોકોને માહિતગાર કરતા જણાવ્યું હતુ કે ગેરકાયદેસર રીતે નાણા ધીરવાનો ધંધો ખુબ વધી રહ્યો છે. નાણા ધીરનાર ખોટી રીતે ધાક ધમકી આપી તગડુ વ્યાજ વસૂલ કરતા હોય છે.
તગડા વ્યાજે નાણા આપ્યા બાદ કેટલીક ઘટનાઓમાં નાણા લેનાર પાસેથી કોરા ચેક, પ્રોમિસરી નોટ લખાવી લેતા હોય છે. ઉપરાંત જમીન મકાનના દસ્તાવેજ ગીરો રાખી નાણા ધીરતા હોય છે. આવા સંજાેગોમાં નાણા લેનાર મૂડી અને તગડુ વ્યાજ આપતા હોવા છતા ધાક ધમકી આપી ચેક કે અન્ય દસ્તાવેજી પુરાવાનો દુરપયોગ કરી વધુ નાણા વસુલ કરતા હોય છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાથી પિડિતોને છોડાવાવ રાજ્ય સરકારની આ પહેલ છે.
જાે કોઈ પિડિત લોક દરબારમાં રજૂઆત નથી કરી શકતા તો તેવા ઈસમો પોતાની વાત મેસેજ કે લેખિતમાં અધિકારીને મોકલી શકે છે. તેઓને વધુમાં કહ્યું હતુ કે પિડિતની રજૂઆત પુરાવા આધારીત સાચી હોવી જાેઈએ, પરંતુ કોઈની શાખ કે આબરૂને હાની પહોચાડવાના સ્વરૂપની ફરિયાદ ના હોવી જાેઈએ. પેટલાદ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતુ કે પોલીસના ખભાનો ઉપયોગ કરી ખોટી રજૂઆત ઉપર ધ્યાન આપવામાં નહી આવે.
મહેળાવ પોલીસ મથકના પીએસઆઈ એસ ઓ ચૌધરીએ કહ્યું હતુ કે વ્યાજખોરોની ચુંગાલમાં આવતા ઘણા લોકો આપઘાત કરવા સુધીનું પગલુ ઉઠાવવા મજબુર થઈ જાય છે. જ્યારે અનેક લોકો પોતાની સ્થાવર જંગમ મિલકતો વેચી આબરૂ સાચવવા પણ ખોટી રીતે વ્યાજ ચૂકવી પાયમાલ થતા હોય છે. આજના આ લોક દરબારમાં બિનરાજકીય રીતે સરપંચો, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, પાલિકાના સભ્યો, પેટલાદના નગરજનો, પોલીસ કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.